કાયદો નિર્દોષ લોકોને ડરાવવા માટેની તલવાર નથી, બલકે તેમની રક્ષા કરવા માટેની ઢાલ છે: સુપ્રીમ
ખાસ-ખબર સંવાદદાતા
આપણે ત્યાં કસ્ટોડીયલ ડેથના બનાવો સામાન્ય છે. આરોપીને ગુનો કબુલ કરાવવા થર્ડ ડિગ્રીનો પણ ઉપયોગ કરાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે કાયદાનો ઉપયોગ આરોપીઓને પરેશાન કરવાના હથિયાર તરીકે ન થવો જોઈએ. પીઠે 16 ડિસેમ્બરે આપેલા એક ફેસલામાં કહ્યું હતું કે ફરી એકવાર અમે કહી રહ્યા છીએ કે ફરિયાદ નોંધવાનો અને આપરાધિક કાર્યવાહી શરૂ કરવાનો ઉદેશ માત્ર ન્યાયના ઉદેશને પૂર્ણ કરવા માટે હોવો જોઈએ. કાયદો નિર્દોષોને ડરાવવા માટે તલવાર નહી, પણ નિર્દોષોની રક્ષા માટે ઢાલ તરીકે અસ્તિત્વમાં છે.
સુપ્રીમ કોર્ટે બે લોકો સામે ચેન્નાઈની એક અદાલતમાં બાકી આપરાધિક કેસને ફગાવીને આ ટિપ્પણી કરી હતી. આ કેસ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ (1940)ની જોગવાઈનો કથિત ભંગ સાથે જોડાયેલો હતો. મદ્રાસ હાઈકોર્ટે પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે, કેસના તથ્યોનો પતો મેળવવા માટે તપાસની જરૂર હતી અને કેસ રદ કરવાની મનાઈ કરાઈ હતી. હાઈકોર્ટનો આદેશ ફગાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેકોર્ડથી એ સ્પષ્ટ છે કે ભલે ડ્રગ ઈન્સ્પેકટર દ્વારા ફરિયાદ નોંધાઈ હતી પરંતુ અધિકારીએ કોઈ પુરાવા ઉપલબ્ધ નહોતા કરાવ્યા.