ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભક્તોનો અપાર પ્રેમ અને ભક્તિ દેખાઈ રહી છે. જ્યારથી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન થયું માત્ર ત્યારથી જ રામલલાને ₹4500 કરોડથી વધુનું દાન મળ્યું છે. દેશ અને દુનિયાના રામભક્તોએ રામલલા માટે અપાર પ્રેમ વરસાવ્યો છે. મંદિર ખુલ્યાના થોડા જ દિવસોમાં રામલલાને કરોડોની સંપત્તિ મળી છે.
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે મંદિર ખુલ્યા બાદ તો રામલલા પ્રત્યે ભક્તોનો પ્રેમ વધુ તીવ્ર બની ગયો છે. રામલલાના દર્શન માટે દરરોજ લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિર ખૂલ્યું એ પહેલાં જ્યાં દરરોજ સરેરાશ 20-30 હજાર ભક્તો આવતા હતા, હવે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ ગઈ છે. રામલલા માટે આવેલી દાનની મોટી રકમ ઓનલાઈન માધ્યમથી આવી છે. આ ઉપરાંત ભક્તોએ ચેક, રોકડ અને સોના-ચાંદીના રૂપમાં પણ દાન આપ્યું છે.
રામલલાના પ્રાણપ્રતિષ્ઠા બાદ જ્યારથી રામ મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે ત્યારથી જ તેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે . માત્ર પ્રથમ ચાર દિવસમાં 7 કરોડ 8 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર , રામલલાના દર્શનના પ્રથમ દિવસે ₹2 કરોડ 90 લાખ, 24 જાન્યુઆરીએ ₹2 કરોડ 43 લાખ, 25 જાન્યુઆરીએ 8 લાખ 50 હજાર રૂપિયા અને પ્રજાસત્તાક દિવસે એટલે કે 26 જાન્યુઆરીએ ₹1 કરોડ 15 લાખનું દાન કરવામાં આવ્યું હતું.
ભક્તોનું માનવું છે કે રામલલાના મંદિરના નિર્માણથી દેશમાં અમન, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તેથી તેઓ તેમની ક્ષમતા મુજબ દાન કરી રહ્યા છે. રામલલાના દાનમાંથી મળેલી રકમનો ઉપયોગ મંદિરના નિર્માણ, મંદિરની આસપાસના વિકાસ કાર્યો અને મંદિરની જાળવણી માટે કરવામાં આવશે. આ દાન ભક્તોના પ્રેમ અને આસ્થાનું અનોખું ઉદાહરણ છે. રામલલા પ્રત્યે ભક્તોનો પ્રેમ અને ભક્તિ આ દાન પરથી જાણી શકાય છે. રામલલાના ભક્તોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભગવાન રામ ભારતના લોકોના હૃદયમાં વસે છે.
ભૂમિપૂજનના એક મહિનામાં 3550 કરોડની રાશિ
પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન પછી જે નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, તે એક મહિનાના અભિયાનમાં લગભગ 3550 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. તે દાનથી ઘણું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. રામલલા માટેના દાનનો ઉપયોગ મંદિરના નિર્માણ, મંદિરની નજીક શ્રદ્ધાળુઓની સુવિધાના વિકાસ કાર્યો અને રામાયણ સર્કિટના વિકાસ કાર્ય માટે કરવામાં આવશે.