જો પ્રશ્ન ઉકેલવાનો જ ન હોય તો ગાંધીનગર બોલાવો છો શા માટે? : અરજદારો
લોકોના વણઉકેલાયેલાં પ્રશ્નો-સમસ્યાનો તાકીદે ઉકેલ આવે તે માટે સચિવાલયમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ અરજદારો માટે આશિર્વાદ ફળીભૂત થવાને બદલે વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં પણ અરજદારોને પોતાના પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરના ધરમધક્કાં ખાવા મજબૂર થવુ પડયુ છે. મહત્ત્વની વાત તો એ છે કે, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા સ્વાગત કાર્યક્રમમાં ત્રણેક હજારથી વધુ અરજદારો હાજર રહેતાં હોય છે તે પૈકી અડધા-અડધને ન્યાય મળતો નથી તેવી ફરિયાદો સામે આવી છે.
- Advertisement -
ગાંધીનગરમાં ધક્કા પણ સમસ્યાનો ઉકેલ નથી મળતો
સ્થાનિક-તાલુકા ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ન્યાય ન મળે તો અરજદારો મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં હોય છે. ઘણાં કિસ્સામાં અરજદારોને સાંભળવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે, જ્યાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અરજદારને સાંભળવામાં આવે છે. ગાંધીનગરમાં સચિવાલય ખાતે અરજદારોની સમસ્યાનો ઝડપભેર ઉકેલ લાવવાના હેતુસર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જૂન-2025માં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં 3349 અરજદારો હાજર રહ્યા હતા, જેમાંથી માત્રને માત્ર 1592 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે, બાકીના અરજદારોએ પ્રશ્નોની રજૂઆત કર્યા વિના પરત ફરવુ પડ્યુ હતું. અરજદારોની ફરિયાદ છે કે, જો પ્રશ્ન ઉકેલવાનો જ ન હોય તો ગાંધીનગર બોલાવો છો શા માટે?
400-500 કિ.મી દૂરથી આવીને ન્યાય માટે રઝળપાટ
- Advertisement -
વણઉકેલાયેલાં પ્રશ્નોની રજૂઆત કરવા અરજદારો છેક કચ્છ સહિત દૂર-દૂરના જિલ્લા-વિસ્તારમાં આવતા હોય છે. હવે જો પ્રત્યેક અરજદાર સરેરાશ 500 રૂપિયા ખર્ચ કરે તે સ્વભાવિક છે. તે જોતાં સચિવાલયમાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આવવા માટે ત્રણ હજારથી વધુ અરજદારોએ 16 લાખનો ખર્ચ કરવો પડયો હતો તેમ છતાંય અડધોઅડધ અરજદારોના પ્રશ્નો ઉકેલાયા ન હતાં. એક બાજું, ડિજિટલ યુગની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજું અરજદારોને 400-500 કિ.મી દૂરથી બોલાવીને રજૂઆત સાંભળવાને બદલે ધરમધક્કાં ખવડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત લોક દરબારનો દેખાડો કર્યા વિના એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી સમય, નાણાંનો ખર્ચ બચે. કચ્છ સહિત આખાય રાજ્યભરમાંથી આવતાં અરજદારોને આખોય દિવસ સચિવાલયમાં વિતાવ્યા પછીય ન્યાય મળતો નથી. ઘણાં અરજદારો ન્યાય માટે રઝળપાટ કરી રહ્યાં છે. તાલુકા-જિલ્લા કક્ષાએ સરકારી બાબુઓ ગરીબ અરજદારોનું સાંભળતા નથી. હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ અરજદારોને આર્થિક ડામ તો ઠીક પણ કડવો અનુભવ થઈ રહ્યો છે.