સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા નવરાત્રિ આસપાસ જ લેવાઈ ચુકી છે
કોલેજોના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ હજુ લેવાઈ નથી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની તમામ સ્કૂલો અને રાજ્યની તમામ કોલેજોમાં આજથી દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન 21 દિવસનું રહેશે અને 30મી નવેમ્બરથી સ્કૂલો-કોલેજોમાં બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.
રાજ્યમાં આવેલી પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આજથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા નવરાત્રી આસપાસ જ લેવાઈ ચુકી છે અને પરિણામ પણ આપી દેવામા આવ્યા છે. હવે તમામ સ્કૂલોમાં 30મી નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. રાજ્યની તમામ કોલેજોમાં પણ આજથી દિવાળી વેકેશન શરૂ થશે.
યુજીના વોકેશનલ કોર્સીસમાં પ્રથમ વર્ષના એટલે કે આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે બીજુ સત્ર ડિસેમ્બર-જાન્યુઆરીમા શરૂ થશે અને પરીક્ષાઓ પણ પણ ડિસેમ્બરમાં લેવાશે. જ્યારે પ્રથમ વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ માટે 30મી નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. કોલેજોના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ હજુ લેવાઈ નથી. જે દિવાળી વેકેશન બાદ લેવાશે. યુનિ.ઓમાં પણ આજથી વિદ્યાર્થીઓ-અધ્યાપકો માટે વેકેશન શરૂ થશે. જ્યારે યુનિ.ઓમાં વહિવટી કર્મચારીઓ માટે-કાર્યાલય માટેનું વેકેશન પાંચ દિવસનું રહેશે.
બીજા સત્રનો પ્રારંભ 30મી નવેન્બરથી થશે. બીજા સત્રમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે.
ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ઉપરાંત શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024થી 35 દિવસનું રહેશે.
સ્કૂલો-કોલેજોમાં આજથી દિવાળી વેકેશન, 21 દિવસ માટે શિક્ષણકાર્ય બંધ, 30 નવેમ્બરથી બીજું સત્ર
