પ્રભારી અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આન, બાન અને શાનપૂર્વક કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના પ્રભારી અને રાજ્યના ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે ધ્વજવંદન કરીને ત્રિરંગાને સલામી આપી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે રાજ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યો માટે રૂ. 25 લાખનો ચેક વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયાને એનાયત કરવામાં આવ્યો હતો અને આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જીલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ મોરબી જીલ્લાના રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સ ઉપરાંત અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, 108 એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી તેમજ ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, વન વિભાગના ચિરાગ અમીન, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લાના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.