કેજરીવાલે વૃદ્ધોને ફ્રી સારવાર અને પાણીનું બિલ માફ કરશે એવી 15 ગેરંટી આપી
કમળનું બટન દબાવશો તો ચારેય બાજુ કાદવ જ કાદવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
આમ આદમી પાર્ટી (AAP)એ સોમવારે દિલ્હી માટે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી માટે 15 પાર્ટી ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં રોજગાર, મહિલા સન્માન, વૃદ્ધોને મફત સારવાર અને મફત પાણીની ગેરંટી જાહેર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો દિલ્હીમાં સરકાર બનશે તો લાખો લોકોના પાણીના બિલ માફ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનો મેનિફેસ્ટો સાવ નકલી છે. કેજરીવાલે કહ્યું કે અમે વર્ષ 2020માં કરેલાં ત્રણ વચનો પૂરાં કરી શક્યાં નથી. જે હવે પૂર્ણ કરીશું. જેમાં યમુનાની સફાઈ, યુરોપની જેમ રસ્તાઓ બનાવવા અને 24 કલાક પાણી માટે કામ કરવાનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું કે આજે હું કબૂલ કરું છું કે છેલ્લાં 5 વર્ષમાં હું આ વચનો પૂરાં કરી શક્યો નથી. કોરોના અઢી વર્ષ સુધી ચાલ્યો ત્યારબાદ જેલ-જેલ રમત રમી. મારી આખી ટીમ વિખેરાઈ ગઈ. તેમણે કહ્યું કે હવે અમે બધા જેલની બહાર છીએ. હું આ ત્રણેય વસ્તુઓ દિલ્હીમાં જોવા માગું છું એ મારું સપનું છે. અમે ત્રણેય કાર્યો આગામી 5 વર્ષમાં પૂર્ણ કરીશું. અમારી પાસે આ માટે ફંડ અને યોજના પણ છે.
કેજરીવાલે કહ્યું- જો કમળનું બટન દબાવી દીધું તો 25 હજાર રૂપિયા દર મહિને વધારે ખર્ચ થશે. આટલી બચત અમારી સરકારના લીધે જ થઈ રહી છે. હું નથી માનતો કે ગરીબ વ્યક્તિ 25 હજાર રૂપિયાનો ભાર ઉઠાવવામાં સક્ષમ છે. અનેક લોકોએ દિલ્હી છોડીને જવું પડશે. વોટિંગમાં કમળનું બટન દબાવશો તો ચારેય બાજુ કાદવ જ કાદવ રહેશે.