“તમામ યોજનાનો સીધો લાભ છેવાડાના માનવીને મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે” – ધારાસભ્યગોવિંદભાઈ પટેલ
રાજકોટ : રાજકોટ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને વિનામુલ્યે રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન તથા તેના બાદના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતે સંવેદના દાખવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે વિનામુલ્યે રાશન આપવાની યોજના અમલી બનાવાઇ. તેનો અસરકારક અમલ તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેમની તમામ યોજનાનો સીધો લાભ છેવાડાના માનવીને મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ તકે પી.એમ.જી.કે.વાય યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યા હતો. તેમજ દાહોદ ખાતે યોજાયેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વર્ચ્યુલ કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું. ‘વન નેશન-વન રાશનકાર્ડ’ યોજનાની ફિલ્મ રજૂ કરાઈ હતી.
- Advertisement -
કાર્યક્રમમાં રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ એ ઉપસ્થિતોને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
અત્રે ઉલ્લેનીય છે કે, વર્ષ ૨૦૨૧ ના મે અને જૂન માસમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર નિયમિત રાશન સિવાય પ્રતિમાસ વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા મળી કુલ પાંચ કિલો જેટલું વધારે અનાજ વિના મૂલ્યે આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ૧૦ લાખ ૬૦ હજાર લાભાર્થીઓને કુલ ૩,૭૦૦ મે. ટન ઘઉં અને ૧૫૯૦ મે.ટન ચોખાનું વિતરણ કરાયુ છે. જુલાઈ થી નવેમ્બર સુધીના પાંચ માસ માટે આ યોજના અન્વયે બે લાખ ૮૫ હજાર કુટુંબોની અંદાજિત ૧૨ લાખની જનસંખ્યાને મળવાપાત્ર રાશન ઉપરાંત પ્રતિમાસ પાંચ કિલો, પ્રતિ વ્યક્તિ એમ વધારાના રાશનનો વિનામૂલ્યે લાભ આપવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદયભાઈ કાનગળ, વિરેન્દ્રસિંહ ઝાલા, રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, ડેપ્યુટી કલેક્ટર પુજા જોટાણીયા, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, મામલતદાર દંગી સહીતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.