દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “સ્વચ્છ ભારત મિશન” ચાલી રહ્યું છે. રાજકોટ શહેર પણ સ્વચ્છ બને અને સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર નંબર-૧ પર આવે તે આપણા સૌની જવાબદારી છે. સ્વચ્છતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરતી બજેટ જોગવાઈ પણ કરવામાં આવે છે. રાજકોટ સ્માર્ટ સિટી બનવાની સાથોસાથ સ્વચ્છ, સુંદર અને રળિયામણું પણ બને તે વધુ ઇચ્છનીય છે.
રાજકોટના લોકલાડીલા યુવા મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ સ્માર્ટ સિટી રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટમાંથી મુક્ત બનાવવા તમામ નગરસેવકોને સાથે રાખી કામગીરીનું આયોજન કરેલ છે.
- Advertisement -
આ અભિયાનની પૂર્વ ભૂમિકા વિષે વાત કરતા મેયરએ એમ કહ્યું હતું કે, ભૂતકાળમાં રાજકોટ શહેરના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ મોટા કદની ડસ્ટબીન રાખવામાં આવતી હતી. આ પછી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ અમલી બનાવી શહેરને “ડસ્ટબીન મુક્ત” બનાવ્યું હતું. જેનું ખુબ જ સારુ પરિણામ આવેલ છે. હવે રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા “ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ”નું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મેયરએ ભાજપના અને કોંગ્રેસના નગરસેવકોને પત્ર પાઠવી ન્યુસન્સ પોઈન્ટ ક્રમશઃ દુર થાય તે માટેની મહાનગરપાલિકાની કામગીરીમાં સામેલ થવા અનુરોધ કર્યો છે.
- Advertisement -
આ ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઇવેટ માલિકીના પ્લોટમાં પણ ગંદકી થતી હોય છે. તે અટકાવવા તંત્રની સાથે પ્રાઇવેટ પ્લોટ માલિકોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવશે. અમુક ન્યુસન્સ પોઈન્ટ પર સફાઈ કરવા છતાં લોકો દ્વારા એજ જગ્યાએ ફરીને કચરો ફેંકતા હોય છે. આવા પોઈન્ટ પર સિક્યુરિટી, અહિયા કચરો ફેંકવો નહિ તેવા સાઇન બોર્ડ, વિગેરે વ્યવસ્થા કરાશે અને તેમ છતાં કચરો ફેંકતા આસામીઓ સામે જરૂર જણાયે કડક પગલા લેવામાં આવશે. લારી-ગલ્લા મારફત રોજગાર મેળવતા ધંધાર્થીઓએ પણ જ્યાં-ત્યાં કચરો ન ફેંકે તે માટે કડક ચેકિંગ હાથ ધરાશે અને શહેરને વધુ માં વધુ સ્વચ્છ બનાવવા જરૂરી સાધનો પણ ખરીદ કરવામાં આવશે.
વિશેષમાં મેયરએ જણાવેલ કે, શહેરના ન્યુસન્સ પોઈન્ટની નિયમિત સફાઈ તેમજ ક્રમશઃ ઘટાડા માટે સંબધક વિભાગના અધિકારી/કર્મચારીઓની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા આયોજનમાં શહેરની સામાજીક સંસ્થાઓનો હંમેશા સહકાર મળતો રહ્યો છે તે જ રીતે શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં આગામી સમયમાં શહેરની સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે. શહેરના હરવાફરવાના સ્થળો, બાગ બગીચાઓની સફાઈ થાય તે માટે સંસ્થાઓને જોડી જરૂરત જણાયે દતક પણ અપાશે.
શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા તમામ નગરજનોએ સાથ-સહકાર આપવા અંતમાં મેયર તથા સેનિટેશન ચેરમેનએ અપીલ કરેલ છે.