શ્રી સંઘના આંગણે તા.11મીએ સવારે 4.35 કલાકે પ્રવજ્યા મહોત્સવ શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ ખાતે છેલ્લા 25થી વધુ વર્ષોથી ધાર્મિક આરાધનાઓ ખૂબ જ ભક્તિભાવથી થઇ રહી છે ત્યારે છેલ્લા 8 વર્ષ પહેલા શ્રી સંઘના ઉપકારી પરમ પૂજ્ય ગુરુદેવ પન્યાસ પ્રવર વજ્રસેનવિજયજી ગણીવર્યની કૃપા તેમજ આચાર્ય ભગવંત મનમોહન સુરીશ્ર્વરજી મહારાજાના, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્ર્વરજી મહારાજા આદી શ્રમણ શ્રમણી ગુરુ ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સત્યપુન પરિવારના ઉત્કૃષ્ટ ભાવો અને દ્રવ્યોથી શ્રી સંઘમાં શિખરબંધ જીનાલયનું નિર્માણ થયું તેમજ સત્યપુન ધામ ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયું છે.
આ જીનાલય અને ઉપાશ્રયના નિર્માણથી શ્રી સંઘમાં ધાર્મિક અનુષ્ઠાનો, તપસ્યા, અભિષેક, પૂજન, શ્રી સંઘમાં સાધર્મિક ભક્તિ, વર્ષગાંઠ ઉજવણી, દર વર્ષે ચોમાસા દરમિયાન સાધ્વીજી ભગવતોની નીશ્રામાં ભવ્ય ચોમાસિક આરાધના ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉત્કૃષ્ટ ભાવોથી શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ અને બાળકો આરાધના કરી રહ્યા છે. રાજકોટ ખાતે તા. 8 ડીસેમ્બરથી 11 ડીસેમ્બર ના રોજ ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમોની વણજાર આયોજવામાં આવી છે. તા. 8 ડીસેમ્બર ને રવિવારના રોજ બપોરે 2 કલાકે મુમુક્ષુના સંયમવેશને કેસરના છાટણા ત્યાર બાદ બપોરે 3 કલાકે પૂજ્ય ગુરુભગવંતોનો ગાંધીગ્રામ શ્ર્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષા પ્રસંગ નિમિતે શુભ આગમન થશે ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન, ત્યારબાદ ગાંધીગ્રામ શામળા પાર્શ્ર્વનાથ ભગવાન જીનાલય સત્યપુન ધામ ખાતે ભક્તિ ભાવના અને સમૂહ આરતીનું આયોજન કરાયું છે.
તા. 9 ડીસેમ્બર ને સોમવારના રોજ સવારે સંયમના ભાવ જાગે તેવી સુરાવલી સાથે 108 પાર્શ્ર્વનાથ પૂજન, તા. 10 ડીસેમ્બર ને મંગળવારના રોજ સવારે 9 કલાકથી મુમુક્ષુ તીર્થ કુમારનો રાજકોટના રાજમાર્ગ પર શાસન પ્રભાવના વધારતો વર્ષીદાનનો વરઘોડો, બુધવાર તા. 11 ડીસેમ્બરના આત્મસ્પર્શના શ્રેષ્ઠ દિવસે શ્રી ભદ્રંકર ક્રિયા મંડપમાં રાજકોટમાં પધારેલ તમામ પૂજ્ય ગુરુ ભગવંતોની નીશ્રા તેમજ રાજકોટના તમામ સંઘ શ્રેષ્ઠીઓની હાજરીમાં બાળ મુમુક્ષુ તીર્થ કુમારનો વહેલી સવારે 4 કલાકે પ્રવેશ થશે ત્યારબાદ 4:35 થી પ્રવજ્યા ક્રિયાનો પ્રારંભ થશે.



