રવિવારે ટી. બેગુર ગામમાં મેળા જેવું દૃશ્ય: 150 કિમીની મુસાફરી કરીને દર્દીઓ મફત સારવાર માટે આવે છે
દક્ષિણ ભારતનાં એક દેવદૂત જેવાં ડૉકટરની વાત, જે છેલ્લાં બાવન વર્ષથી મફત નિદાન અને સારવાર કરે છે, તેમનાં બે સર્જન પુત્રો પણ આ સેવાયજ્ઞમાં આહૂતિ આપી રહ્યા છે…
- Advertisement -
ભારતના ગામડાંઓમાં તબીબી સેવા પૂરી પાડવી એક પડકાર છે. ગ્રામીણ દર્દીઓ હજુ પણ સારવાર માટે શહેરો તરફ વળે છે. એમ કહેવું ખોટું નહીં હોય કે, આજે પણ ગામડાઓમાં તબીબી સેવા-સુવિધાનો અભાવ જોવા મળે છે. જોકે આવા પડકારને જીલનાર એક નામ છે ડો. બી. રમણા રાવ, જેઓ ગ્રામજનો માટે કોઈ તારણહારથી ઓછા નથી. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો. બી. રમણા રાવ બાવન વર્ષથી કર્ણાટકના ટી. બેગુરમાં એક નિ:શુલ્ક ગ્રામ્ય ચિકિત્સાલય ચલાવી રહ્યા છે, જેમાં 2.5 મિલિયન એટલે કે 25 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ એક વિશ્વ રેકોર્ડ છે.
1960ના દાયકામાં જ્યારે ગ્રામીણ ભારત કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગોથી ઝઝૂમી રહ્યું હતું ત્યારે યુવાન રમણા રાવ તેમના સાથીદારો સાથે ગામડે ગામડે જઈને મફત રસીકરણ કરાવતા હતા. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રસીઓ એકત્રિત કરતા અને આસપાસના વિસ્તારોમાં તેનું વિતરણ કરતા. તેમના દ્વારા આપવામાં આવતી દરેક રસી બાળક, માતા અને ખેડૂત માટે રક્ષણનું ઢાલ હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અનુસ્નાતકના સપનામાં ખોવાયેલા હતા ત્યારે રમણા રાવે એક નાના ગામડામાં ચિકિત્સાલય ખોલવાનું સ્વપ્ન જોયું. અને 15 ઓગસ્ટ, 1973ના રોજ જ્યારે દેશે 26મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો ત્યારે કર્ણાટકની કસ્તુરબા મેડિકલ કોલેજમાંથી નવા નીકળેલા એક યુવાન ડોક્ટર બી. રમણા રાવે પોતાના સપનાંને પૂર્ણ કરવાની શરૂઆત કરી. ફક્ત પોતાની ડિગ્રી અને પુટ્ટુ નામના કમ્પાઉન્ડરની મદદથી તેમણે ગ્રામજનોની સેવા કરવાનો સંકલ્પ કર્યો.
ડો. બી. રમણા રાવે બેંગ્લોરથી 33 કિલોમીટર દૂર ટી. બેગુર ગામના એક ગામમાં ચિકિત્સાલય ખોલ્યું. શરૂઆતમાં તેમના ચિકિત્સાલયમાં ફક્ત પાંચ દર્દીઓ આવતા હતા પરંતુ પાંચેક વર્ષમાં આ સંખ્યા 300ને વટાવી ગઈ. આજે આ નાનું પગલું એક વિશાળ ચળવળમાં ફેરવાઈ ગયું છે. અહીં દર અઠવાડિયે 1000થી વધુ દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે. 52 વર્ષથી, ડો. બી. રમણા રાવ દર રવિવારે દર્દીઓની સારવાર કરે છે.
રવિવારે ટી. બેગુર ગામમાં મેળા જેવું દૃશ્ય: 150 કિમીની મુસાફરી કરીને દર્દીઓ મફત સારવાર માટે આવે છે
5 દર્દીઓથી શરૂઆત, આજે દર અઠવાડિયે 1000થી વધુ દર્દીઓ; મોતિયાના હજારોથી વધુ ઓપરેશનો કર્યા
- Advertisement -
દર રવિવારે બેગુર ગામમાં એક મેળા જેવું દ્રશ્ય જોવા છે. લોકો ચિકિત્સાલય સુધી પહોંચવા માટે 100થી 150 કિલોમીટર પગપાળા, બસો અને ટ્રેક્ટરમાં મુસાફરી કરે છે. જ્યાં પહોંચી તેમને મફતમાં સંભાળ, સારવાર અને દવા મળે છે. ડો. રાવે આજ સુધી હજારો મોતિયાના ઓપરેશન કર્યા છે. તેમનું માનવું છે કે સારવાર ફક્ત દવા પૂરી પાડવા વિશે નથી, પરંતુ દર્દીઓની સંભાળ રાખવા વિશે પણ છે.
ડો. બી. રમણા રાવ, રવિવાર સવારના પ્રાણાયામ અને યોગ સત્રમાં ભાગ લીધા બાદ દર્દીઓને ગ્રામ્ય ચિકિત્સાલયમાં સ્વચ્છતા અને મૂળભૂત સ્વાસ્થ્ય વિશે શિક્ષિત કરે છે. તેઓ તાત્કાલિક ગંભીર દર્દીઓને મોટી હોસ્પિટલોમાં મોકલે છે. મહિનાનો છેલ્લો રવિવાર આંખના કેમ્પ માટે અનામત રાખવામાં આવે છે. આ સેવા બાવન વર્ષથી અવિરત ચાલુ છે. ક્યારેક ક્યારેક ડો. રમણા રાવના બે સર્જન દીકરાઓ પણ અહીં સેવા આપવામાં માટે આવે છે.
ડો. રમણા રાવ ગરીબ દર્દીઓની મફતમાં સારવાર જ નથી કરતા, પરંતુ તેમને મફત દવાઓ પણ પૂરી પાડે છે. આ ઉપરાંત તેમને ત્યાં દર્દીઓને પૌષ્ટિક ખોરાક પણ મફતમાં આપવામાં આવે છે. ગ્રામજનોને સ્વસ્થ રાખવાનું કાર્ય સંભાળનાર ડો. રમણા રાવને તેમની સેવા બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. રમણા રાવનું કાર્ય આજે પણ ચાલુ છે.
ડૉ. રાવએ અમિતાભ બચ્ચનની સારવાર કરી ગંભીર બીમારીમાંથી બહાર કાઢ્યા
1984માં અમિતાભ બચ્ચન ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા એ સમયે તેમની સારવાર માટે એક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા, તે બીજું કોઈ નહીં પણ ડો. રાવ હતા. ડો. રાવે કહ્યું, “અમિતાભ બચ્ચનની ટીમના સભ્ય મંજુનાથ હેગડેએ મને મધ્યરાત્રિએ 1:15 વાગ્યે ફોન કર્યો. તેમણે મને એક વ્યક્તિને મદદ કરવા કહ્યું. હું માત્ર 10 મિનિટમાં નિર્દિષ્ટ સ્થળે પહોંચી ગયો, જ્યાં મેં અમિતાભ બચ્ચનને ગંભીર બીમારીથી પીડાતા જોયા. મેં તેમને યોગ્ય સારવાર આપી જેથી તેઓ સ્વસ્થ થઈ શકે અને શૂટિંગ પર પાછા ફરી શકે.” બિગ બીની સારવાર કર્યા પછી ડો. રાવે તેમનો ઓટોગ્રાફ માંગ્યો જેથી તેમની પત્ની (હેમા રાવ) વિશ્વાસ કરી શકે કે તેઓએ હકીકતમાં તેમની સારવાર કરી છે. આ વાત ડો. રાવ દ્વારા અમિતાભ બચ્ચનને 35 વર્ષ કોન બનેગા કરોડપતિના સેટ પર કરી હતી.
ડૉક્ટર અને સમાજ સુધારક રાવે બનાવ્યા છે 700થી વધુ શૌચાલય, 15 ગામડાંઓ દત્તક લીધા છે
ડો. રાવ માત્ર ડોક્ટર જ નહીં પણ એક સમાજ નિર્માતા પણ છે. તેમણે 700થી વધુ શૌચાલય બનાવ્યા છે અને 50થી વધુ શાળાઓમાં ગણવેશ, પુસ્તકો અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી છે. તેઓએ 15 જેટલા ગામડાંઓ પણ દત્તક લીધા છે. તેમનું સ્વપ્ન એક એવું ભારત નિર્માણ કરવાનું છે જ્યાં દરેક બાળકને શિક્ષણની સુવિધા મળે અને દરેક વ્યક્તિને સારવારની સુવિધા મળે. તેઓ કહે છે, “આરોગ્ય સંભાળનો અધિકાર કોઈ ચોક્કસ વર્ગ સુધી મર્યાદિત ન હોવો જોઈએ.” ડો. રાવનું સમગ્ર અભિયાન વ્યક્તિગત આવક અને દાન પર આધારિત છે. કોઈપણ મોટી સંસ્થા, ભંડોળ અથવા સરકારી સહાય વિના ડો. રાવે સાબિત કર્યું છે કે એક વ્યક્તિ પણ દૃઢ નિશ્ચયથી લાખો જીવન બદલી શકે છે.



