સોસાયટીમાં વહેલા ફટાકડા ફોડવાની ના પાડતા ત્રણ શખ્સોનો તલવારથી હુમલો : માસીયાઇ ભાઇને પણ ગંભીર ઇજા: મધુબેન જોશી તા. પં.ના પૂર્વ સભ્ય હતા : પરિવારમાં ઘેરો શોક
ખાસ-ખબર સંવાદદાતા
ધારી ગામે આવેલ શીવનગર સોસાયટીમાં દિવાળીના દિવસ પહેલા ફટાકડા ફોડવાની ના પાડતા આ બનાવને લઇ ગત તા. 1પના રોજ સાંજના સમયે ભાજપના પૂર્વ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પોતાના વકીલ પુત્ર સાથે પડોશમાં રહેતા પડોશીને ઠપકો આપવા જતા પડોશીએ ઉશ્કેરાઇ જઇ છુટા પથ્થર, લોખંડના પાઇપ તથા તલવાર વડે હુમલો કરી મહિલાની હત્યા કરી નાખી હતી. જયારે વકીલ યુવકને તથા તેમના માસીયાઇ ભાઇને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ બનાવની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધારી ગામે આવેલ શીવનગર સોસાયટીમાં રહેતા મહિલા ભાજપનાં પૂર્વ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય મહિલા ભાજપના પૂર્વ મંત્રી તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય મધુબેન ભરતભાઇ જોષીના વકીલ પુત્ર રવીભાઇએ દિવાળીનાં દિવસ પહેલા તે જ વિસ્તારમાં રહેતા મુળ સરસીયા ગામનાં વતની હિતેશભાઇ મહેતાના નાના દિકરાને સોસાયટીમાં ફટાકડા સળગાવી ઘા કરવાની ના પાડતા તેમને સારૂ લાગ્યુ ન હતું. જેથી ગત તા. 1પના રોજ ભાઇબીજ રવિભાઇ જોષી પોતાની ઓફીસે જતા હતા ત્યારે આરોપી હિતેશભાઇના નાનો દિકરો ફોર વ્હીલ ચલાવી રવિભાઇ એડવોકેટના સ્કુટી ઉપર નાંખતા આ એડવોકેટે આરોપીને ફોર વ્હીલ ધીમે ચલાવવાનું તથા સાઇડમાં ચલાવવાનું કહ્યું હતું. આરોપી હિતેશ મહેતાનો મોટો દિકરો, નાનો દિકરો તથા હિતેશના ભાઇ પલાભાઇ મહેતાના દિકરો રહે. ત્રણેય ધારીવાળાએ એડવોકેટને ગાળો આપવા લાગેલ હતા. જેથી એડવોકેટ યુવક પોતાના ઘરે પરત ફરી અને આ બનાવ અંગે પોતાની માતા મધુબેન ભરતભાઇ જોશીને વાત કરતા ભાજપ અગ્રણી મધુબેન જોષી તથા એડવોકેટ યુવક બંને માતા પુત્ર આરોપીઓને ઠપકો આપવા ગયા હતા. આરોપીઓને સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ પોતાના કારમાંથી લોખંડનો પાઇપ કાઠી એડવોકેટને મારવા લાગેલ તથા છુટા પથ્થર પણ મારેલ જયારે આરોપી હિતેશભાઇનો મોટો દિકરાએ પોતાના ઘરમાંથી તલવાર કાઢી એડવોકેટને મારી નાંખવાનાં ઇરાદે તેમની ઉપર ધા કરી ગંભીર ઇજા કરી હતી. એડવોકેટના માસીયાઇ ભાઇ કિશનભાઇ સુરેશભાઇ દવે વચ્ચે પડતા તેમને પણ તલવાર વડે ઇજા થવા પામી હતી અને બાદમાં ભાજપ મહિલા અગ્રણીના હાથ ઉપર તલવાર મારતા તેણીને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમને હાથમાંથી વધુ પ્રમાણમાં રકત વહી જતા ઘવાયેલા ત્રણેયને પ્રથમ ધારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે ભાજપ મહિલા અગ્રણી મધુબેન જોષીને મૃત જાહેર કરેલ હતા. આ બનાવમાં મૃતક મહિલાના એડવોકેટ પુત્રએ ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302, 307, 324, 323, 504, 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.