વેપાર – ધંધા ઝગમગ્યા : ગત વર્ષની સરખામણીમાં 20%નો વધારો : 60,000 કરોડનો કારોબાર
વાહન વેંચાણમાં પણ અંદાજીત 50%ની તેજી : ચાંદીનું વેંચાણ અસામાન્ય રીતે 30% વધ્યું : ઇલેકટ્રોનિકસ, ડેકોરેશન સહિતના ક્ષેત્રોમાં જબરદસ્ત ખરીદી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
દિપાવલી પર્વની શૃંખલામાં ધનતેરસે ધન વર્ષા થઇ હતી અને સમગ્ર દેશમાં 60,000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થયો હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જેમાં મહત્તમ હિસ્સો સોના-ચાંદી તથા વાહનોનો રહ્યો છે. એક જ દિવસમાં 35 ટન સોનુ વેંચાયુ હતું ત્યારે ચાંદીના વેંચાણમાં 30 ટકાની વૃધ્ધિ થઇ હતી. ઇન્ડિયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ધનતેરસના દિવસે 35 ટન સોનાનું વેંચાણ થયું હતું. કિંમતની દ્રષ્ટિએ 28,000 કરોડ થવા જાય છે. ગત વર્ષની સરખામણીએ જોકે 15 ટકાનો ઘટાડો હોવા છતાં કિંમતની દ્રષ્ટિએ વેંચાણ વધુ છે. ગત વર્ષની ધનતેરસે 42 ટન સોનાનું વેંચાણ નોંધાયુ હતું. સોનાની સામે ચાંદીનું વેંચાણ અસમાન્ય રીતે વધી ગયાનું જણાયું હતું. ગત વર્ષની સરખામણીએ ચાંદીના વેંચાણમાં 30 ટકાનો જોરદાર વધારો થયો હતો. આ વખતે સોનામાં દાગીના ઉપરાંત સિકકા તથા બિસ્કીટની મોટી ખરીદી રહી હતી. 35 ટન સોનામાંથી 14 ટનનું વેંચાણ સિકકા અને બિસ્કીટનું હતું.
અખિલ ભારતીય રત્ન તથા આભુષણ પરિષદના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું હતું કે, સોના-ચાંદીના ઉંચા ભાવ છતા લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. ક્ધફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રીપોર્ટ પ્રમાણે દેશભરમાં ધનતેરસે 60,000 કરોડનો કારોબાર થયાનો અંદાજ છે. ગત વર્ષે 50,000 કરોડનો વેપાર થયો હતો. તેની સરખામણીએ 20 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં ચોમાસુ સારૂ ગયું હતું અને કૃષિ સિઝન ઘણી સારી રહેવાની હોવાથી ગ્રામ્ય ક્ષેત્રની ખરીદીમાં મોટો વધારો જણાયો છે. વાહનોનો વેંચાણમાં મોટો વધારો થયો છે. ગત વર્ષે 5,000 કરોડના વાહન વેંચાયા હતા તેની સામે આ વર્ષે 7 થી 8 હજાર કરોડના વાહનનું વેંચાણ થયું છે. ઇલેકટ્રોનિકસ, કપડા, ઇમીટેશન, ડેકોરેશનના સામાન સહિતની ચીજોના વેંચાણમાં સારો એવો વધારો માલુમ પડયો છે. વાહનોના વેંચાણમાં સપ્ટેમ્બરની સરખામણીમાં ઓકટોબરમાં 50 ટકાનો વધારો માલુમ પડયો છે.
- Advertisement -
ગુજરાતમાં 500 કિલો સોનાનું વેંચાણ
સોના-ચાંદીના ઉંચા ભાવ છતાં ધનતેરસે ગુજરાતમાં તેની મોટા પ્રમાણમાં ખરીદી થયાના સંકેત સાંપડયા છે. ગુજરાતના લોકોએ ધનતેરસે સોના-ચાંદીની શુકનવંતી ખરીદીની પરંપરા જાળવી હોય તેમ એક જ દિવસમાં 500 કિલો સોનાનું વેંચાણ થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. ઇન્ડીયન બુલીયન જવેલર્સ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં 500 કિલો સોનુ વેંચાયુ હતું. જોકે ગત વર્ષના 700 કિલોની સરખામણીએ 28 ટકા ઓછું હતું. આખો દિવસ જવેલરી શોરૂમ ભરચક બની રહ્યા હતા. ગત વર્ષની સરખામણીએ કિંમત 30 ટકાથી વધુનો વધારો સૂચવતી હતી. એટલે મૂલ્યની દ્રષ્ટિએ સોનાના વેંચાણમાં વૃધ્ધિ જોવા મળી હતી. રાજકોટમાં પણ ધનતેરસે મોડી રાત સુધી સોની બજાર ધમધમતી રહી હતી અને જવેલરી શોરૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. સ્થાનિક જવેલર્સોએ જણાવ્યું હતું કે ઉંચા ભાવના કારણે ખરીદી ધીમી રહેવાની આશંકા હતી. પરંતુ તેનાથી વિપરીત મોટી ખરીદી થઇ હતી. ગ્રાહકોમાં એવો સૂર હતો કે ગત વર્ષે પણ લોકો ભાવ ઉંચા હોવાનું માનતા હતા છતાં એક વર્ષમાં 30 ટકાનો ભાવ વધારો થયો આ જ ગણિતને આગળ ધરીને લોકોએ ઉંચા ભાવના કારણને ડિસ્કાઉન્ટ કરીને મોટા પાયે ખરીદી કરી હતી.