ભરૂચથી 7 કાવડયાત્રિકો પગપાળા પહોંચ્યા: 68 હજારથી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા
સોમનાથ ટ્રસ્ટના સચિવ અને સ્ટાફે પાલખીયાત્રાનું પૂજન કર્યું, સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.5
પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી.મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી.જ્યાં ભક્તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો, બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા.ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન મહાદેવને વિશેષ શૃંગાર સાથે પ્રાત: વિશેષ પૂજન,પ્રાત: આરતી, પાલખીયાત્રા, પાઘ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે મોટી સંખ્યામાં જન સૈલબ ઉમટી પડ્યો હતો.વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.લગભગ 1 કિમી જેટલી લાંબી કતારો મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ લાગી હતી.વહેલી સવારે મહાદેવને શ્વેત પુષ્પો તથા ગુલાબના હારોથી શણગારવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ બિલ્વપત્રો અને રંગબેરંગી પુષ્પોથી કરવામાં આવેલા અલૌકિક શૃંગારના દર્શને ભક્તો ધન્યતા અનુભવતા હતાં.ત્યારબાદ પ્રાત: પૂજન અને પ્રાત: આરતી કરવામાં આવી હતી.તેવી જ રીતે સાંજ સુધી મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.સાયં આરતી સમયે પણ મહાદેવને પ્રિય એવા રુદ્રાક્ષ દર્શનનો શૃંગાર કરવામાં આવ્યો હતો.તેવી જ રીતે જુના સોમનાથ મંદિરે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ત્યાં પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સાંજના સાત વાગ્યા સુધીમાં 68 હજાર થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા.