દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ, જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું
આજે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ છે. મહત્વનું છે કે, આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે.
- Advertisement -
મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું છે. મહત્વનું છે કે, આજે સવારથી પાર્થેશ્વર પૂજા, બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ
મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજે એટલે કે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.
મહાશિવરાત્રી પર મોટી સંખ્યામાં ભાવિકોનો સમૂહ સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. આજે વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલી ગયા હતા. આ કપાટ હવે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
- Advertisement -
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અવગડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર છે.
મહાશિવરાત્રીનું મહત્વ
મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ તારીખે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રી પર, અપરિણીત છોકરીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને શિવ પૂજામાં લીન રહે છે અને ભગવાન શિવને યોગ્ય વર મેળવવા માટે પ્રાર્થના કરે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જલાભિષેક અને રુદ્રાભિષેક કરવાથી તમામ પ્રકારની ખુશીઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રી પર સવારથી જ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જામવા લાગે છે.