ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (ઈંઅજ)એ આજે, 21 જુલાઈ, 2025 ના રોજ, ઈસ્ટ ઝોનના વોર્ડ નં. 4 માં ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન, તેમણે શિવમ પાર્ક 25-વારીયા/જય નંદનગર સોસાયટીમાં પેપર બ્લોકની કામગીરીની સમીક્ષા કરી અને તેની ગુણવત્તા ચકાસી. વધુમાં, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વોર્ડ નં. 4 ના વિસ્તારમાં ટીપરવાન સમયસર આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરી હતી. તેમણે આ જ વોર્ડમાં આવતા ન્યુસન્સ પોઈન્ટ્સની વિઝિટ કરી નિયમિત સફાઈ અંગે સમીક્ષા કરી હતી. નાગરિકો દ્વારા કોલ સેન્ટરમાં કરવામાં આવતી ફરિયાદોનો રીવ્યુ મેળવ્યો અને લાતી પ્લોટ વિસ્તારમાં રોડ રેસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ કમિશનરની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સિટી એન્જીનિયર અને એજન્સીના પ્રતિનિધિ સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. આ નિરીક્ષણનો હેતુ વિકાસ કાર્યોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવણી સુનિશ્ચિત કરવાનો હતો.