નવી જંત્રી લાગુ પાડવાની તૈયારીથી ઓક્ટોબર કરતા નવેમ્બરમાં બાંધકામ ઉદ્યોગમાં સોદા ઘટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની સામે વાંધા-રજૂઆતો મગાવવામાં આવી રહી હોય તે લાગુ કરવામાં આવી નથી. છતાં રાજકોટના રિયલ એસ્ટેટ બજારમાં રીતસરની મંદી આવી ગઇ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. રાજકોટ શહેર-જિલ્લામાં ગત નવેમ્બર માસમાં નોંધાયેલા દસ્તાવેજોની નોંધણીમાં મોટું ગાબડું પડ્યું છે અને ઓક્ટોબર માસ કરતાં નવેમ્બર માસમાં 4839 દસ્તાવેજ ઓછા નોંધાતા મિલકત લે-વેચના સોદામાં મોટું ગાબડું પડ્યાનું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટ શહેર-જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત ઓક્ટોબર માસમાં 14484 દસ્તાવેજની નોંધણી થઇ હતી જેની સામે ગત નવેમ્બર માસમાં 9645 દસ્તાવેજની નોંધણી થઇ હતી. આમ દસ્તાવેજ નોંધણીમાં 4839નું ગાબડું પડ્યું છે. દસ્તાવેજોની નોંધણી ઘટતા રાજ્ય સરકારની તિજોરીમાં થનારી આવકમાં પણ રૂ.34,49, 68,533નું ગાબડું પડ્યું છે. રાજ્ય સરકારને રાજકોટ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં ફી અને સ્ટેમ્પ ડ્યૂટીની રૂ.85,53,61,274ની કુલ આવક થઇ હતી. જ્યારે નવેમ્બર માસમાં માત્ર રૂ.51,03,92,741ની જ આવક થઇ હતી.
સૌથી વધુ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો નોંધાયા
નવેમ્બર માસમાં પણ ઓક્ટોબરની જેમ સૌથી વધુ રાજકોટ ઝોન-2 મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સૌથી વધુ 1148 દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા વીંછિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 80 દસ્તાવેજ નોંધાયા હતા. રાજકોટ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં 30થી 40 ટકા જેટલું ગાબડું પડ્યું હતું.
સબ રજિસ્ટ્રાર કચેરી ઓક્ટોબર નવેમ્બર
રાજકોટ ઝોન-2 મોરબી રોડ 1,834 1148
ઉપલેટા 417 334
પડધરી 276 184
જામકંડોરાણા 101 89
ધોરાજી 353 243
રાજકોટ ઝોન-8(રૂરલ) 826 627
રાજકોટ ઝોન-4 રૈયા 1,219 697
રાજકોટ ઝોન-7 કોઠારિયા 970 579
રાજકોટ ઝોન-6 મવડી 1,304 861
રાજકોટ ઝોન-5 મવા 980 568
જેતપુર 782 532
રાજકોટ ઝોન-3 રતનપર 1,085 709
રાજકોટ ઝોન-1 997 691
જસદણ 462 333
વીંછિયા 67 80
લોધિકા 887 672
કોટડાસાંગાણી 598 321
ગોંડલ 1,346 977