ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં બોગસ દસ્તાવેજો દ્વારા નોકરી મેળવનાર ડેન્ટલ ટેક્નિશ્યન દેવ કંદર્પ વૈધની જેલમાં રવાનગી કરાઈ છે. 2024ની શરૂઆતમાં ભાવસિંહજી હોસ્પિટલના ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટરમાં 11 માસના કરારના આધારે હંગામી ભરતી કરાઈ હતી. ડેન્ટલ ટેકનીશ્યન પદ માટે એક માત્ર દેવ કંદર્પ વૈધની અરજી મળતા તેને નિમણુક આપવામાં આવી હતી. કાંઈક ગોટાળો હોવાનો સંકેત મળતા સામાજિક કાર્યકર રમેશભાઈ ઓડેદરાએ દેવના ડોક્યુમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી. તપાસમાં ખુલ્યું કે દેવે રજુ કરેલા દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ (લોયરા-ઉદયપુર)ના ડિપ્લોમા સર્ટિફિકેટ, વાઈસ પ્રિન્સીપલની સહી અને કોલેજના સીકકા બનાવટી છે. કોલેજની તપાસમાં જાણવા મળ્યું કે દર્શન ડેન્ટલ કોલેજમાં ડેન્ટલ ટેકનીશ્યનનો કોઈ કોર્સ ચલાવવામાં આવતો નથી. જાણવા મળ્યા બાદ સીડીએમઓએ 18 ઓગસ્ટે દેવ પાસેથી દસ્તાવેજોની સ્પષ્ટતા માગી. પણ તેના દ્વારા રજુ કરાયેલા બોનોફાઈડ સર્ટિફિકેટ અને ફી સ્ટ્રકચર પણ ખોટા હોવાનું સામે આવ્યું. અંતે દેવનો પગાર બંધ કરી તેની સેવાઓ સમાપ્ત કરાઈ. આરએમઓ વિપુલભાઈ મોઢાએ પોલીસ ફરિયાદ નોંધાવતા દેવની ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં રજુ કરતા 4 દિવસના રિમાન્ડ મળ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થાય તે પછી દેવને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.