મચ્છરોની ઉત્પતિ કરતા આસામીઓને નોટિસ ફટકારી રૂ.13 હજારથી વધુનો દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતી કામગીરી પૂરતી નથી કે લોકોની બેદરકારી રોગચાળાને કાબૂમાં આવવા દેતી નથી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર ભલે સઘન પ્રયાસોનો દાવો કરતું હોય, પરંતુ શહેરમાં હજુ પણ ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાજનક છે.
ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને ઝડપથી પ્રજનન કરતો હોવાથી શહેરી વિસ્તારોમાં તેનો ફેલાવો ખૂબ ઝડપથી થાય છે. મહાનગરપાલિકા આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા પ્રયાસો કરાય છે ખરા, પરંતુ આ રોગો માનવીય બેદરકારી અને સફાઈના અભાવ સાથે સીધા સંકળાયેલા હોવાથી માત્ર તંત્રના પ્રયાસો પૂરતા નથી.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 14/07/2025 થી તા. 20/07/2025 દરમિયાન ભલે 40,070 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 669 ઘરોમાં ફોગિંગ કરાયું હોય, પરંતુ આ વિશાળ શહેરમાં તે કેટલું અસરકારક છે તે સવાલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વાહનો દ્વારા ફોગિંગ કરાય છે, પરંતુ ખુલ્લા પ્લોટ, બગીચા અને માનવસમુદાય એકઠો થતો હોય તેવા સ્થળોએ નિયમિતતા જાળવવામાં આવે છે કે કેમ તે ચકાસવું જરૂરી છે.
કાગળ પર દંડ, જમીન પર મચ્છર!
મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે રહેણાંક અને કોમર્શિયલ જગ્યાઓમાં તપાસ કરી નોટિસ આપવાની અને વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી થાય છે. 520 પ્રીમાઇસીસની તપાસમાં 88 રહેણાંક અને 197 કોમર્શિયલ આસામીઓને નોટિસ અપાઈ છે, અને માત્ર 25 આસામીઓ પાસેથી રૂ. 13,300/- નો ચાર્જ વસૂલાયો છે. આ આંકડા દર્શાવે છે કે, વહીવટી કાર્યવાહીનો વ્યાપ શહેરની જરૂરિયાત મુજબ પૂરતો છે કે કેમ તે પ્રશ્ર્નાર્થ છે. માત્ર નોટિસો અને નજીવા દંડથી લોકોમાં સાફસફાઈ પ્રત્યે કેટલી ગંભીરતા આવશે તે વિચારવું રહ્યું.
- Advertisement -
રોગચાળાની સ્થિતિ: આંકડા બોલે છે!
તાજેતરના અઠવાડિયાના (14/07/2025 થી 20/07/2025) આંકડા મુજબ, ડેન્ગ્યુના 2 નવા કેસ નોંધાયા છે, જ્યારે વર્ષના કુલ કેસ 22 પર પહોંચ્યા છે. મેલેરિયા અને ચિકુનગુનિયાના કેસ ભલે ઓછા હોય, પરંતુ શરદી-ઉધરસ (762 કેસ), સામાન્ય તાવ (1028 કેસ) અને ઝાડા-ઊલટી (324 કેસ) જેવા કેસોની મોટી સંખ્યા સૂચવે છે કે જાહેર આરોગ્યની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી. તંત્ર દ્વારા ભલે “ઘનિષ્ઠ પ્રયાસો” નો દાવો કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી મચ્છરજન્ય રોગો સંપૂર્ણપણે કાબૂમાં ન આવે અને આવા સામાન્ય રોગોનો વ્યાપ ન ઘટે, ત્યાં સુધી તંત્રની કામગીરી પર પ્રશ્ર્નો ઊભા થતા રહેશે. નાગરિકોને માત્ર સહકાર આપવા કહેવાને બદલે, તંત્રએ વધુ સક્રિય અને દંડાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે.