ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને લઈને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઇન પણ શરૂ છે, તો ઇવીએમ અને વીવીપેટ દ્વારા મત કેવી રીતે આપવાથી લઈ તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ નિદર્શનના જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઈણાજ ખાતેના જિલ્લા સેવા સદનના પરિસરમાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીને લક્ષમાં લઈ સમગ્ર મતદારો, એમાં પણ ખાસ કરી યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. ઈવીએમ અને વીવીપેટ નિદર્શન માટે ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા ફાળવેલ એલ.ઈ.ડી મોબાઈલ વાન દ્વારા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં તબક્કાવાર નિર્દેશન કરવામાં આવશે.