મોબાઇલ ટાવરના લીધે સ્થાનિક બાળકો અને સ્કૂલના બાળકોને જોખમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરી હાલ ચાલુ હોય આ મોબાઈલ ટાવરની કામગીરી સ્થગિત કરવા માટે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરી છે. ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં મોબાઈલ ટાવર બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેની સામે આ વિસ્તારના રહીશો મોબાઇલ ટાવરની કામગીરી બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં નાના બાળકોની સ્કૂલ હોવાથી અનેક બાળકો અભ્યાસ માટે આવે છે સાથે જ જ્યાં મોબાઈલ ટાવર ઊભો કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારમાં રહેણાક પરિવારના અનેક નાના બાળકો પણ છે જે બાળકો પર મોબાઇલ ટાવરના લીધે જોખમ ઊભું થવાની ભીતિ છે. જેથી સ્થાનિક રહીશો દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ સાથે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.



