તાલાલા શહેરમાંથી વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય: પ્રજામાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલામાં નવી મામલતદાર કચેરીથી રેલ્વે સ્ટેશન સુધીનો શહેરમાંથી પસાર થતા સાસણ ગીરથી સોમનાથ જતા માર્ગ ઉપર અલગ અલગ જગ્યાએ સ્પીડ બ્રેકર મુકવા તાલાલા શહેરમાંથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બાંધકામ વિભાગ ઉદાસીન હોય શહેરમાં લોક રોષ જોવા મળે છે.
તાલાલા નગરના સાસણ થી સોમનાથ જતા મુખ્ય માર્ગ ઉપર આખો દિવસ અકલ્પનીય ટ્રાફિક રહે છે.
- Advertisement -
મુખ્ય માર્ગ ઉપરના ભારે ટ્રાફિક વચ્ચે પણ વાહન ચાલકો પુરઝડપે બેફામ વાહનો ચલાવવા હોય શહેરમાં નાના મોટા અકસ્માતો દરરોજ થાય છે.
શહેરમાં ભારે ટ્રાફિકને કારણે વધી રહેલ અકસ્માતો અટકાવી નિર્દોષ લોકો તથા ચોમાસામાં માર્ગ ઉપર બેઠેલા ગૌમાતાઓને મદદરૂપ થવા નગરના મુખ્ય માર્ગ ઉપર થોડા થોડા અંતરે સ્પીડ બ્રેકર મૂકી બેફામ દોડતા વાહનોની ગતિ ઉપર નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે.તાલાલા નગરના નગરજનોની સલામતી માટે પ્રજા ઉપયોગી વારંવાર થયેલ રજુઆતોની બાંધકામ વિભાગે ઉલાળીયો કર્યો હોય લોકોમાં રોષ ફેલાયો છે.નગરના મુખ્ય માર્ગોમાં યોગ્ય સ્થાનો ઉપર સ્પીડ બ્રેકર મૂકવા બાંધકામ ખાતું તુરંત પરીણામલક્ષી કાર્યવાહી કરી લોક રોષ ઉપર મલમપટી કરે તેવી લોક માંગણી ઉઠી છે.
તાલાલાનો મુખ્ય માર્ગ ગૌશાળા બની ગયો
તાલાલામાંથી પસાર થતો સ્ટેટ હાઇવેનો મુખ્ય માર્ગ સાસણગીર થી સોમનાથ ગૌશાળા બની ગયો છે. આ માર્ગ ઉપર પેટ્રોલ પંપથી રેલ્વે સ્ટેશન સુધીમાં ઠેરઠેર ગાયો તથા નંદી નાં ટોળા માર્ગ ઉપર દિવસ રાત બેઠા હોય છે.ચોમાસા દરમ્યાન માર્ગ ઉપર ગાયોને બેસવાના સ્થળો અને ગાયોની સંખ્યા ખુબજ વધી ગઈ છે.આ માર્ગ ઉપરથી પુરઝડપે પસાર થતા વાહનચાલકોનો ભોગ ગૌમાતાઓ પણ બની રહી છે.નગરના વિવિધ વિસ્તારના લોકોનાં જણાવ્યા પ્રમાણે ગૌમાતા ને હડફેટે લેવાના બનાવો ત્રણ ચાર બનવા પામેલ છે.લાગતા વળગતા સત્તાવાળાઓ આ માર્ગ ઉપર બેફામ દોડતા વાહનો ઉપર નિયંત્રણ લાવવા સ્પીડ બ્રેકર મુકે તેમજ માર્ગ ઉપરથી માલઢોરનો જમાવડો દુર થાય માટે ઘટતું કરે તેવી નગરના નગરજનો માંગણી કરી રહ્યા છે.