ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જવેલરી ખરીદવાનો શુભ અવસર : પુષ્ય નક્ષત્ર
મોટા જ્વેલર્સ પાસે એડવાન્સમાં બુકિંગ થઈ રહ્યું છે, સિક્કા-બિસ્કિટની સૌથી વધુ માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતમાં પુષ્ય નક્ષત્રનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તે સમય છે જ્યારે ગ્રહો અને તારાઓ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી સૌથી અનુકૂળ સ્થિતિમાં હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય લાંબાગાળાની સફળતા અને સમૃદ્ધિ લાવે છે. આ જ કારણ છે કે લોકો ખાસ કરીને આ દિવસે સોના,ચાંદી અને હીરાની ખરીદીને અત્યંત શુભમાને છે. પુષ્ય નક્ષત્ર માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ આર્થિક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ દિવસે સોનું, ચાંદી અને હીરાના દાગીના ખરીદવા એ ભવિષ્યની સંપત્તિ અને સમૃદ્ધિની ગેરંટી માનવામાં આવે છે. ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડની જવેલરીમાં કરેલ રોકાણ કરવાથી ફક્ત તમારી સંપત્તિમાં વધારો થશે નહીં પરંતુ તે તમારી સફળતા અને સુખી જીવનનું પ્રતીક પણ બનશે. ભારતીય પરંપરામાં સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં પરંતુ સલામત રોકાણ તરીકે પણ જોવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પર સોનું ખરીદવું એ ભવિષ્યની નાણાકીય સ્થિરતા અને વધેલી સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ મંગળસૂત્ર અને સોનાના સિક્કા ખરીદવા માટે આદર્શ છે.
છેલ્લાં એક વર્ષથી સોનાના ભાવમાં ઉછાળો થઈ રહ્યો છે. તહેવારોની સિઝન પહેલાં જ તોલાનો ભાવ 1.26 લાખને પાર પહોંચી ગયો છે, જેની સીધી અસર ગ્રાહકના ખરીદીના વલણ પર જોવા મળી રહી છે. લોકો હવે ચાંદીના દાગીનાની ખરીદી તરફ વળી રહ્યા છે. ચાંદીના દાગીનાની માંગમાં સરેરાશ 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આજે મંગળવારે પુષ્યનક્ષત્ર છે ત્યારે શહેરમાં ચાંદીની અછત સર્જાઈ ગઈ છે. બીજી તરફ રોકાણકારો પણ ચાંદીની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને ઘણા જ્વેલર્સ પાસે વેઈટિંગ શરૂ થઈ ગયું છે. ચાંદીના ભાવ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેથી લોકો મોટા પ્રમાણમાં ચાંદીની ખરીદી કરી રહ્યા છે. શહેરના મોટા જ્વેલર્સ પાસે એડવાન્સમાં ચાંદીનું બુકિંગ થઈ રહ્યું છે, જેનો લાભ લઈને બુલિયનો પણ ચાંદી પર 10થી 20 ટકા સુધી વધારે ભાવ લઈ રહ્યા હોવાની જ્વેલર્સ પાસેથી માહિતી મળી રહી છે.
રાજકોટ, સુરત અને અમદાવાદમાં ચાંદીના ઘરેણાં-વસ્તુની માંગમાં સૌથી વધુ ઉછાળો
રાજકોટ, સુરત અને અમદાવાદમાં ચાંદીની જ્વેલરીની માંગ સૌથી વધુ છે. રિટેલ સાથે ઑનલાઈન ઓર્ડર પણ વધી રહ્યા છે. ચાંદીના ભાવમાં પણ હવે ધીમો પરંતુ સ્થિર વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં લગભગ 8થી 10 ટકા વૃદ્ધિ થઈ છે. આ સ્થિતિમાં ચાંદી હવે માત્ર સસ્તો વિકલ્પ નહીં, પરંતુ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી રહી છે. ગ્રાહકો માટે તે ફેશન સાથે સાથે મૂલ્યવર્ધિત એસેટ બની રહી છે.
ચાંદીની જવેલરી ખરીદવાના ફાયદા
આયુર્વેદમાં ચાંદીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ચાંદીના વાસણો અને સિક્કા ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે.
ચાંદીની વસ્તુઓ, ઘરેણાં શુભ પ્રસંગો માટે ભેટ તરીકે લોકપ્રિય પસંદગી છે.
- Advertisement -
સોનાની જવેલરી ખરીદવાના ફાયદા
સોનું એ સુરક્ષિત રોકાણ વિકલ્પ રહ્યું છે, જે સમય જતાં તેનું મૂલ્ય વધારતું રહે છે.
સોનાને ઘરમાં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન-તહેવારોમાં સોનાના દાગીના પહેરવા શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાના લાભ
લાંબા ગાળાના રોકાણો : આ દિવસે કરવામાં આવેલી ખરીદી નાણાકીય સ્થિરતા અને ભવિષ્યના લાભનું પ્રતીક છે.
સકારાત્મક ઊર્જાનો સંચાર : સોનું, ચાંદી અને હીરાના દાગીના ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવામાં મદદ કરે છે.
ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ : ભારતીય પરંપરા મુજબ આ દિવસે કરવામાં આવતી ખરીદીને ભગવાન તરફથી આશીર્વાદ માનવામાં આવે છે.