કેન્દ્રને સમસ્યા અટકાવવા સઘન પ્રયાસ માટે કોર્ટની ટકોર
વર્તમાન યુગમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ડેટા માઈનીંગ સહિતની ટેકનોલોજીના વધતા વ્યાપના ફાયદાની સાથે સાથે જ અનેક નુકશાન પણ સામે આવી રહ્યા છે. ટેકનોલોજીના આવા વધતા દુરૂપયોગ સામે દિલ્હી હાઈકોર્ટે ગંભીર ચેતવણી આપી છે.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે, ડીપફેક ટેકનોલોજી સમાજ માટે ગંભીર જોખમ બનશે અને ટેકનોલોજીની મદદથી જ તેનો સામનો કરી શકાશે. ડીપફેક ટેકનોલોજીનું નિયમન નહીં કરવા અંગેની બે પિટિશનની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આવી ટીપ્પણી કરી હતી.
ડીપફેક ટેકનોલોજીની મદદથી લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયો, ઓડીયો રેકોર્ડીંગ્સ અને તસવીરો બનાવી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) દ્વારા ડીપફેકનો ઉપયોગ કરીને અફવાઓ ફેલાવવામાં આવે છે. અથવા કોઈ વ્યકિતની ખોટી છબી રજૂ કરી શકાય છે. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જજ તુષાર રાવ ગેડેલાએ જણાવ્યું હતું કે, ‘તમારે (કેન્દ્ર સરકારે) આ મુદા પર કામ કરવું પડશે. ડીપફેક સમાજ માટે ગંભીર જોખમ ઉભુ કરે તેવી શકયતા છે. તમે પણ થોડો અભ્યાસ કરો. ડીપફેકનો અર્થ એવો થાય છે કે, હું મારી આંખે જે જોઈ રહ્યો છું અને કાનથી જે સાંભળી રહ્યો છું તેના પર મારે વિશ્વાસ કરવાનો નથી. આ બહુ આંચકાજનક છે’.
કોર્ટે ડીપફેક અંગે અરજી કરનારા બે વ્યકિતને તેમના સૂચનો સાથે વધારાની એફિડેવિટ ફાઈલ કરવા બે સપ્તાહનો સમય આપ્યો હતો અને આગામી સુનાવણી માટે 24 ઓકટોબરની તારીખ નિર્ધારિત કરી હતી. કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે સત્તાવાળાએ સમસ્યાને ઓળખી છે. આપણે એઆઈ ટેકનોલોજીની મદદથી તેના દુષ્પ્રભાવ અટકાવી શકીએ’. તેના જવાબમાં કોર્ટે પણ કહ્યું હતું કે, એઆઈના જોખમને દુર કરવા ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો જરૂરી છે’.