સનરાઈઝર્સની હાર સાથે હવે પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા નહિવત: શિખર ધવને સતત છઠ્ઠી સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા : એનરિચ નોર્તજે મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ટોચના બેટ્સમેનોએ નોંધાવેલા ઉપયોગી રનની મદદથી દિલ્હી કેપિટલ્સને અહીં રમાયેલી આઇપીએલ ટી20 લીગની 33મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને કોઇ પણ મુશ્કેલી વિના આઠ વિકેટે પરાજય આપીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 134 રન બનાયા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં બે વિકેટે 139 રન બનાવીને આસાન વિજય મેળવી લીધો હતો. બેટિંગ માટેની આસાન પિચ ઉપર રનચેઝ માટે મેદાને પડેલી દિલ્હીની ટીમે 20 રનના સ્કોરે ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શિખર ધવન અને શ્રેયસ ઐયરે બીજી વિકેટ માટે બાવન રન ઉમેરીને ટીમને વિજય તરફ દોરી હતી. ધવને 37 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 42 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે સતત છઠ્ઠી સિઝનમાં 400 પ્લસ રન નોંધાવ્યા હતા. આઇપીએલના ઇતિહાસમાં માત્ર ડેવિડ વોર્નર અને સુરેશ રૈના સતત સાત સિઝનમાં 400 પ્લસ રન બનાવી ચૂક્યા છે. ટી20 ક્રિકેટમાં ચાર હજાર રન પૂરા કરનાર ઐયરે 41 બોલમાં 47 તથા રિષભ પંતે 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. બંને વચ્ચે અણનમ 67 રનની ભાગીદારી નોંધાઇ હતી.