ચીનનું બેંકિંગ સેક્ટર આંતરિક રીતે કાબૂમાં હોવાથી ચીનમાં સામાન્ય રીતે ઈન્ટરેસ્ટ રેટ સાઈકલની અસર નહિવત થાય છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ચીનની અથવ્યવસ્થા પર હાલ ડિફ્લેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આર્થિક નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ’અર્થતંત્ર પર હજુ પણ ડિફ્લેશનનું મસમોટું જોખમ છે. તાજેતરના ડેટા અર્થતંત્રમાં સુસ્તીના સંકેતો આપે છે.
તેમણે કહ્યું કે સરકારની મોનિટરી પોલિસી આવતા મહિને બીજા ક્વાર્ટરના જીડીપી ડેટા પછી આવશે. ફુગાવાના ડેટામાં નરમાઈ હોવા છતાં ચીનના બજાર પર નજર રાખનારા વિશ્લેષકો લાંબા ગાળે ચીનના અર્થતંત્ર અંગે આશાવાદી છે. ઈકોનોમિક રિકવરીના પંથે આગળ વધી રહેલ ચીનમાં મોંઘવારી હાલ નીચલા સ્તરે પહોંચી છે. મે મહિનામાં ઉત્પાદક ભાવ સૂચકાંક (પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેકસ)માં 4.6 ટકાનો ઘટાડો થયો હતો.
- Advertisement -
વાર્ષિક ધોરણે છેલ્લા 7 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. અગાઉ મે 2016માં ઉત્પાદક ભાવમાં 7.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં ઉત્પાદક ભાવ સૂચકાંકમાં 3.6 ટકાનો ઘટાડો થયો હતો. રોઇટર્સ પોલમાં અર્થશાસ્ત્રીઓએ મે મહિનામાં 4.3 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.
ચીનમાં ગ્રાહક ભાવ સૂચકાંક મે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2 ટકા વધ્યો હતો. રોઇટર્સ દ્વારા મતદાન કરાયેલ અર્થશાસ્ત્રીઓએ 0.3 ટકાના વધારાની આગાહી કરી હતી. એપ્રિલમાં સીપીઆઈ 0.1 ટકા હતો, જે બે વર્ષનું સૌથી નીચલું સ્તર છે.