હોંગકોંગની કંપની સાથે AIના ઉપયોગથી છેતરપિંડી થતાં દુનિયાભરમાં ખળભળાટ
કાવતરાંખોર એક સપ્તાહ સુધી કર્મચારીના સંપર્કમાં રહ્યા અને પાંચ બેન્કોમાં 15 વખત નાણાં ટ્રાન્સફર કરાવ્યા
- Advertisement -
કંપનીના CFO સહિતના કર્મચારીઓના જાહેરમાં ઉપલબ્ધ ઓડિયો-વિડીયો એકત્ર કરી નકલી VC યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ટેક્નોલોજી બેધારી તલવાર હોય છે અને તેમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજીના ફાયદાની સાથે ગેરફાયદા અંગે અનેક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. ભારતમાં રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ સહિતની બોલિવૂડ અભિનેત્રીઓને ડીપફેકથી બદનામ કરવામાં આવી હતી, પરંતુ હવે ડીપફેકથી લૂંટની ઘટના સામે આવી છે. હોંગકોંગની બહુરાષ્ટ્રીય કંપની અત્યાધુનિક ડીપફેક કૌભાંડનો ભોગ બની છે અને તેણે રૂ. 200 કરોડથી વધુ (25.6 મિલિયન ડોલર)ની રકમ ગુમાવી છે. આ ઘટના સામે આવતા વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ અંગે ચકચાર મચી ગઈ છે. હોંગકોંગની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં અનેક કર્મચારીઓની ઝૂમ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કંપનીના ભોગ બનેલા એક કર્મચારી સિવાય સીએફઓ સહિત બાકી બધા જ કર્મચારીઓ નકલી હતા. આ બધા જ કર્મચારીઓ ડીપફેકથી બનાવાયા હતા તેમ હોંગકોંગ પોલીસે જણાવ્યું હતું. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી એકદમ અસલ લાગતું બનાવટી વિડીયો અને ઓડિયો ક્ધટેન્ટ બનાવવામાં આવે છે અને તે વિશ્વસનીય છે તેવું દર્શાવતા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ કાવતરાંખોરોએ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સહિત કંપનીના અનેક કર્મચારીઓના વિવિધ સોશિયલ મીડિયા પર જાહેરમાં ઉપલબ્ધ વીડિયો અને ઓડિયો ફૂટેજનો ઉપયોગ કરીને ડીપફેક ટેક્નોલોજીની મદદથી કંપનીની નકલી ઝૂમ મીટિંગ ગોઠવી હતી. કાવતરાંખોરોએ કંપનીના સીએફઓનું પણ ક્લોનની મદદથી ડીપફેક વર્ઝન તૈયાર કર્યું હતું. કાવતરાંખોરોએ જાન્યુઆરીની મધ્યમાં કંપનીના ફાઈનાન્સ વિભાગના એક કર્મચારીને યુકે સ્થિત સીએફઓના નામથી ફિશિંગ મેસેજ મોકલ્યો હતો, જેમાં કથિત રીતે કંપનીના યુકે સ્થિત સીએફઓએ તેને ગુપ્ત નાણાકીય વ્યવહાર કરવાની સૂચના આપી હતી.
શરૂઆતમાં શંકા જવા છતાં કર્મચારી એક ગૂ્રપ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા પછી તેને હકીકતમાં સીએફઓએ નાણાકીય વ્યવહારનો આદેશ આપ્યો હોવાનું લાગ્યું હતું. કોન્ફરન્સ કોલ દરમિયાન ડીપફેકથી તૈયાર કરાયેલા કંપનીના અન્ય કર્મચારીઓ એકદમ વાસ્તવિક હોવાનું ફાઈનાન્સ વિભાગના કર્મચારીને લાગ્યું હતું. જેથી તેણે સૂચનાઓને અનુસરતા પાંચ અલગ અલગ બેન્કોના ખાતામાં 15 વખત નાણાકીય વ્યવહાર કરતાં 25 મિલિયન એટલે કે અંદાજે રૂ. 200 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. કંપનીના ફાઈનાન્સ વિભાગના કર્મચારી સાથે ડીપફેકથી આ છેતરપિંડી લગભગ એક સપ્તાહ સુધી ચાલી હતી, જેમાં પ્રાથમિક સંપર્ક પછી થોડોક સમય પસાર થતાં કર્મચારીને પોતે કોઈ કૌભાંડનો ભોગ બન્યો હોવાની આશંકા ગઈ હતી. કાવતરાંખોરોએ ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કંપનીના કર્મચારીઓના અવાજ અને વીડિયોનો ઉપયોગ કરી એક નકલી વીડિયો કોન્ફરન્સ ગોઠવતા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં કાવતરાંખોરોએ ઊભા કરેલા ડિજિટલ કર્મચારીઓ ચોક્કસ સ્ક્રિપ્ટ મુજબ પોતાની ઓળખ આપતા અને ફાઈનાન્સ વિભાગના કર્મચારીને આદેશો આપીને ઉતાવળે વીડિયો કોન્ફરન્સ પૂરી કરી દેતા હતા. શરૂઆતમાં કર્મચારી સાથે સંપર્ક કર્યા પછી કાવતરાંખોરોએ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ, ઈ-મેલ્સ અને વન-ટુ-વન વીડિયો કોલ સાથે સતત તેના સંપર્કમાં રહ્યા હતા. આખરે કર્મચારીને શંકા જતાં પોલીસને ફરિયાદ કરાઈ હતી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરાઈ નથી.