છેલ્લા 10 વર્ષથી પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ અને રસ્તા સહિતના પ્રશ્નોથી લોકો પીડાતા હોવાનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ ઘનશ્યામપુર રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 5 ના વિસ્તારમાં રૂદ્ર પાર્ક સોસાયટીમાં રહિશો છેલ્લા 10 વર્ષથી પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં 300 જેટલા મતદારોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્રમાં દોડધામ મચી છે.
- Advertisement -
હળવદના વોર્ડ નંબર 7 ના સુનિલનગરના રહીશો દ્વારા થોડા દિવસ પહેલાં પ્રાથમિક સુવિધાના કારણે મતદાન કરવાનો બહિષ્કાર કર્યાની હજુ પણ શાહી સુકાય નથી ત્યાં હળવદના ઘનશ્યામપુર રોડ ઉપર આવેલ રૂદ્ર પાર્ક સોસાયટીમાં રહીશો છેલ્લા 10 વર્ષથી પીવાના પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટો સહિતના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. અહીંના રહેવાસીઓએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં રહીશોએ કોઈ પણ રાજકીય પક્ષને મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે રૂદ્ર પાર્કના રહેવાસી દશરથભાઈ પરમાર અને મહેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા 10 વર્ષથી રહીએ છીએ અને સ્ટ્રીટ લાઈટ, રસ્તા સહિતના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છીએ ત્યારે અમારા વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા હોય નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના પેટમાં પાણી હલતું નથી ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં અહીંના 300 જેટલા મતદારોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો અને રહેવાસીઓએ રસ્તા ઉપર ઉતરી જઇ બેનર લગાવીને, સૂત્રોચ્ચાર કરીને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રહિશોના આ નિર્ણયના પગલે તંત્રમાં દોડધામ મચી હતી.