86 વર્ષની વયે નિધન : પરિવાર શોકમાં ગરકાવ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઓઈલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું 86 વર્ષની વયે નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આજે સવારે 8.30 વાગ્યે તેમના કમિશનર બંગલા રોડ પર આવેલા નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર હતા. ઊંઝા, સિદસર બાદ જૂનાગઢ જિલ્લાના ગાંઠીલા ઉમિયા મંદિરના નિર્માણમાં તેઓનું સારું એવું યોગદાન રહ્યું છે. પોપટભાઈ પટેલે નાતજાતના ભેદભાવ વગર કરેલી સહાયથી સમાજને અનેક ડોક્ટર, એન્જિનિયર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત મળ્યાં છે. પોપટભાઈ પટેવ ફિલ્મ માર્શલના સર્જક હતા. ડિઝલ એન્જિનથી શરૂ થનાર ફિલ્ડ માર્શલ આજે ઓર્ગેનિક ફર્ટિલાઈઝરથી લઈ ઘરઘંટી, એરકૂલરથી માંડી ફિ લ્ડમાર્શલ બ્રાન્ડ મિનિ ટ્રેક્ટર પણ બનાવે છે. દુનિયાભરમાં વિખ્યાત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ સાથે ટાઈઅપ કર્યા બાદ ‘યુવરાજ’ મિનિ ટ્રેક્ટરમાં પણ ફિલ્ડ માર્શલના જ એન્જિન ફીટ થાય છે.