પોરબંદરના અસરગ્રસ્ત વિસ્તારોમાં 500 કર્મચારીઓ કરે છે અવિરત સફાઈ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અસાધારણ વરસાદની કુદરતી આપત્તિથી મુશ્કેલીમાં મુકાયેલા પોરબંદરના લોકોને રાહત આપવા શેરીઓ અને મેદાનો અને માર્ગો પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવા તેમજ જ્યાં પાણી ઉતરતા જાય છે ત્યાં કાદવ કિચડ ઉપાડી પોરબંદરને સંપૂર્ણ સ્વચ્છ અને સુઘડ બનાવવા પોરબંદરના જિલ્લા પ્રશાસને મહા અભિયાન ઉપાડ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલતી રાત દિવસની આ કામગીરીમાં 500 કર્મયોગીઓ પુરુષાર્થ કરી રહ્યા છે.
પોરબંદર નગરપાલિકા તંત્રને વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ સંકલન કરી મદદ કરી જિલ્લાની ટીમ પોરબંદરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા કામગીરી કરી રહી છે. આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણી નું સીધું માર્ગદર્શન છે અને તેઓ પણ સતત ફિલ્ડની મુલાકાત લઈને આ અભિયાનમાં સતત કામ કરતાં કર્મયોગીઓને પ્રોત્સાહન સાથે બળ આપી રહ્યા છે. છાયા ચોકી , રાજીવનગર બોખીરા ,નેશનલ હાઇવે બ્રિજ, છાયા રણ સહિત વોર્ડ નંબર 12 અને 13 માં વધારે અસરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં અગ્રતા આપીને યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી ચાલુ છે.મોટાભાગના વિસ્તારોમાં સફાઈ કાર્ય સફળ થયું છે. જેમ જેમ પાણી ઉતરતા જાય છે તેમ રોગચાળો ન થાય તે માટે દવાનો છંટકાવ પણ એ જ ગતિએ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લા પ્રશાસનને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ મળી રહી છે અને પોરબંદરમાં મિશન મોડમાં કામગીરી બદલ જિલ્લા પ્રશાસનની ટીમને અભિનંદન આપ્યા છે.
પોરબંદરમાં રાજકોટ મહાનગરપાલિકાના 90થી વધુ કર્મચારીઓ ઉપરાંત પોરબંદર નગરપાલિકાના 400 થી વધુ સફાઈ કામદારો-સેની સબ ઇન્સ્પેક્ટર સહિત કર્મયોગીઓ રાત દિવસ આ કામગીરી કરી રહ્યા છે. પોરબંદરની આ સફાઈની કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપરાંત પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા બોર્ડના ઇજનેર સહિતના અધિકારીઓની પણ ટીમ દેખરેખ રાખી રહી છે. અધિકારીઓ પદાધિકારીઓ અને જે તે વિસ્તારના લોકો સાથે સંવાદ કરીને આ કામગીરી આગળ વધી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોના 600 થી વધુ લોકોને 8 આશ્રય સ્થાનોમાં ગરમાગરમ ભોજન અને નાસ્તો આપી કમિટી બનાવીને અગાઉના દિવસથી જ આયોજન કરીને સંસ્થાઓના સહયોગથી ભોજન આપવામાં આવે છે અને આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવે છે. છાયા કેનાલ અને સાંઢીયા ગટરની કામગીરી માટે અલગથી વાહનો મશીન રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
પાણીના નિકાલ માટે 13 પંપ કાર્યરત છે જેમાં 7 પંપ બીરલા ફેક્ટરી પાસે તાકીદ ની કામગીરી કરીને મૂકવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનનો પણ 10 કાર્યરત છે. માર્ગો શેરીઓ અને મકાનો આસપાસ કાદવ કીચડ ઉપાડવા માટે 5 જેસીબી, હિટાચી મશીન,25 છોટાહાથી, 7 ટ્રેક્ટર ,5 ટ્રક, 3 ડમ્પર, ટ્રેક્ટર, કચરાના બોક્સ ઉપાડવા ક્ધટેનર સહિત 50 થી વધુ વાહનો આ કામગીરી માટે મૂકવામાં આવ્યા છે. સફાઈ, દવા છંટકાવ, માર્ગ મરામત સહિતની કામગીરી પૂર્ણ થાય પછી પણ સાંઢીયા ગટરનું કામ લાંબા ગાળાના આયોજન માટે ચાલુ રહેશે. જેથી ભવિષ્યમાં ભારે વરસાદ થાય તો પણ પાણી ન ભરાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.