ફલક મદાણીએ ભરતનાટ્યમમાં વિશારદની પદવી પ્રાપ્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
જૂનાગઢ જિલ્લાના માંગરોળના મૂળ વતની અને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકમાં ફરજ બજાવનાર દશા સોરઠીયા વણિક જ્ઞાતિના જયેશભાઈ મદાણીની રાજકોટની આત્મીય સ્કૂલમાં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી ઓજસ્વી, તેજસ્વી, સુશીલ, સંસ્કારી લાડકી 17 વર્ષીય દીકરી ફલક મદાણીએ પોતાની બંને દીદી દીશીતા અને કવિશા કે જે બંનેએ ભરતનાટ્યમમાં સતત સંઘર્ષ અને પુરુષાર્થ કરીને વિશારદની પદવી મેળવેલી છે. દાયકાથી વધુ સમયથી ટી.જી.ઈ.એસ. સંસ્થામાં નૃત્ય શિક્ષિકા તેમજ નૃત્ય દિગ્દર્શક તરીકે ફરજ બજાવતા અને શિવ નર્તન કલા કેન્દ્રના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓને નૃત્યકલા, નૃત્યશિક્ષણ અને જીવન જીવવાની કળા વિશે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડનારા કલાગુરુ વિનસબેન ઓઝા અને હેતલબેન મકવાણા પાસેથી સઘન તાલીમ પૂર્ણ કરીને પોતાના કલાગુરુઓ, દાદા-દાદી, માતા-પિતા પરિવાર અને મા શારદાના આશીર્વાદથી વિશારદની પદવી મેળવી રાજકોટનું અને દશા સોરઠીયા વણીક જ્ઞાતિનું ગૌરવ વધારેલું છે.
માત્ર 17 વર્ષની પ્રતિભાશાળી દીકરી ફલકનો આગામી તા. 15 ને રવિવારે બપોરના 4થી 7 વાગ્યા સુધી રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આરંગેત્રમ માર્ગમની સંપૂર્ણ નૃત્યશૈલીના શિવનર્તન કલા કેન્દ્ર પ્રસ્તુત આરંગેત્રમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.