સીટ કે સોફા પર જકડી રાખે એવી ગુજરાતી ફિલ્મ આખરે બની ખરી
ધુમ્મસ આખી ફિલ્મ જયેશ મોરેના ખભા પર છે. તેણે જિંદગીમાં પહેલી વખત ચોરી કરતાં ચોરનું કિરદાર ભજવ્યું છે
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
ફિલ્મના ટાઈટલ હજુ પુરાં નથી ત્યાં તમને સમજાય જાય છે કે બંગલામાં રહેતું એક દંપતિ એકબીજાથી પ્રસન્ન નથી. બલ્કે, નાખુશ છે અને બંગલાની કાચની બારીમાંથી દેખાતાં પતિ-પત્નીના પડછાયાં એ વાત પણ બયાન કરી દે છે કારણકે પતિને પત્નીની ગરદન પર રિવોલ્વોર તાક્તાં ય તમે જોઈ લીધો છે અને ફિલ્મ શરૂ થાય છે…
પતિ પોતાની કાર લઈને બંગલાની બહાર જાય છે ત્યારે વોચમેન તેમને સલામ કરે છે. વોચમેન પોતાની કેબિનમાં, ઈયર ફોન ખોસીને મોબાઈલમાં વ્યસ્ત છે ત્યારે બંગલાની માલીપા પતિથી ત્રસ્ત પત્ની કોમ્પ્યુટર પર સ્યૂસાઈડ નોટ લખી રહી છે કે, ઈચ્છાઓ ઓગળી ગઈ છે અને સપનાંઓ સળગી ગયા છે. બરાબર એ જ વખતે દિવાલ ઠેકીને ઘૂસેલો એક ચોર ડુપ્લીકેટ ચાવીથી બંગલાનું મેઈન ડોર ખોલીને અંદર ઘૂસી ગયો છે. સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરવા માટે પત્ની પોઈઝનની બોટલ હાથમાં લઈને ખોલે છે. બરાબર ત્યારે જ ડ્રોઈંગ રૂમમાં ચોરના હાથમાંથી એન્ટિક મૂર્તિ પડવાનો અવાજ પત્નીને એવો ભડકાવે છે કે, ઝેરની બોટલ હાથમાંથી ફસકીને જમીન પર પડતાની સાથે ફૂટી જાય છે.
- Advertisement -
માનવ સ્વભાવ પણ કેટલો વિચિત્ર છે ? આપઘાત કરનારી વ્યક્તિ અજાણ્યા અવાજથી વિચલિત થઈને તેની ખરાઈ કરવામાં પરોવાઈ જાય છે… અને ચોર સાથેની ઝપાઝપીમાં ચોર જ ઘાયલ થઈ જાય છે. અહીં સુધી ફિલ્મ જોતાં તમારા મનમાં રામ ગોપાલ વર્માની કૌન (મનોજ બાજપેયી – ઉર્મિલા માતોંડકર)ની ઈમ્પ્રેશન તાજી થવા માંડે છે પરંતુ ગુજરાતી ફિલ્મ ધુમ્મસ તમને ધીમે ધીમે ખોટાં પાડવાનું શરૂ કરે છે. ભાનમાં આવેલા ચોરને ખબર પડે છે કે સામે જ રિવોલ્વર લઈને ઉભેલી માલિકણે તેને બંગલોમાં પૂરી દીધો છે. માલિકણ ઉર્ફે આપઘાતની તૈયારી કરતી પત્ની ચોર સમક્ષ ચોઈસ મૂકે છે : પોલીસને બોલાવીને તને જેલ ભેગો કરું, યા તું જ મને મારી નાખ઼.. ચોઈસ ઈઝ યોર્સ.
અને ધુમ્મસ અહીંથી એક પછી એક એવા વળવળાંક લે છે કે તમે ખુદ ચક્તિ થઈ જાવ છો કારણકે એક ગુજરાતી ફિલ્મ પાસેથી મનોરંજનની કે થ્રીલની અપેક્ષાઓ તમે દશકાઓથી છોડી દીધી હોય છે. એકાદ રોંગસાઈડ રાજુ જેવી થ્રિલરનું જ અપવાદરૂપ આશ્ર્વાસન હોય ત્યારે ધુમ્મસ તમને શોકિંગ સરપ્રાઈઝ આપીને ખુશ કરે છે. આનંદની વાત તો એ છે કે એક જ બંગલામાં અને રડયાખડયા ચારપાંચ પાત્રો સાથેની ધુમ્મસ (દિગ્દર્શક ર્ક્તવ્ય શાહ) ને તમે સંપૂર્ણપણે થ્રિલર અને સસ્પેન્સની કેટેટરીમાં મૂકી શકો છો. ગુજરાતી ફિલ્મો ગામડું અને ગોકિરોમાંથી છૂટીને અર્બનના પ્રેતને વળગી ગઈ છે ત્યારે વાહિયાત પ્રેમકથાઓ કે બક્વાસ કોમેડી કે બોરિંગ શૈલીના ટિફિનો પીરસી રહી છે ત્યારે ધુમ્મસ ખરેખર રોમાંચકારી આશ્ર્વાસન છે. બેશક, ધુમ્મસ તરફ ધ્યાન ખેંચાયું હતું ઉમદા એકટર જયેશ મોરેના નામથી.
ધુમ્મસ આખી ફિલ્મ જયેશ મોરેના ખભા પર છે. તેણે જિંદગીમાં પહેલી વખત ચોરી કરતાં ચોરનું કિરદાર ભજવ્યું છે, તેની સામે પતિથી ત્રસ્ત પત્નીનું પાત્ર કિંજલ રાજપ્રિયાએ ભજવ્યું છે. ધુમ્મસ આમ જૂઓ તો આ બન્નેની જ ફિલ્મ છે.
- Advertisement -
ખરેખર તો પતિ બનતાં ઓજસ રાવલનું પાત્ર દર્શકોના મનમાં વિરાટપણે આકાર લેવા માંડે છે પણ ઓજસ રાવલ એ કક્ષાનો સંતોષ આપી શક્તા નથી. ચેતન દહિયાનું પાત્ર નાનકડું છે પરંતુ વાર્તાના એવા વળાંક પર તેની એન્ટ્રી થાય છે કે તેનું ઈમ્પોર્ટન્સ આપોઆપ ડેવલપ થઈ જાય છે. વોચમેન બનતાં આકાશ ઝાલા માટે બહુ લખવા જેવું નથી. આમ તો નવી ગુજરાતી ફિલ્મો પર પણ બહુ લખવું પડે, એવી બનતી નથી છતાં ધુમ્મસ વિશે બહુ જવાબદારી સાથે આ લખ્યું છે. એ વર્થ વોચિંગ મૂવી છે અને એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે. ટાયલાવેડાં કે ચાંપલાવેડાંની બદલે બેઠાં પછી પૂરી કરવી જ પડે એવી ધાર કાઢેલી અને ઈન્ટરવલ પછી ડગલે ને પગલે ઝટકો આપતી ધુમ્મસ નું સસ્પેન્સ પણ સુખદ આંચકો આપનારું છે અને એ કહી દેવાની મજા નથી.
ધ ફેમ ગેમ : મને અંધારા બોલાવે…
કરણ જોહરના પ્રોડકશન હાઉસની ઓટીટી પ્લેટફોર્મ પરની એન્ટ્રી તેમજ માધુરી દીક્ષિતની વેબસિરિઝથી થયેલા કમબેક્વાળી ધ ફેમ ગેમ માટે વ્યંગમાં એવું કહી શકાય કે તમે પહેલો એપિસોડ જોઈને ડાયરેકટ છેલ્લો (આઠમો) એપિસોડ જોઈ લો તો ચાલે એવું છે. એક આઉટડેટેડ થતી જતી હિરોઈનની કેરિયર અને ફેમિલી આસપાસ ચકરાવા લેતી ધ ફેમ ગેમમાં એવા ઘણા ટર્ન એન્ડ ટવિસ્ટ છે કે જેની પ્રેરણા સત્યકથા પરથી લેવામાં આવી છે. પરદા પરની પોપ્યુલર પેરનો પ્રેમસંબંધ, પુત્રીને કમાણીનું સાધન માનતો પતિ-મા, જાણીતા અભિનેતાનો આપઘાત, અભિનેત્રીને પોતાની માતા ગણાવતો પાગલ ફેન, ફિલ્મ રિલીઝ પહેલાંના પ્રોપેગન્ડા, ફાયનાન્સરની ગેરવ્યાજબી માંગણી… ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રસ ધરાવતા લોકોને ધ ફેમ ગેમ માં દેખાડાતું ગ્લેમરની ચકાચૌંધ પાછળનું કાળીડિબાંગ ખટપટ, તાણ, ખિંચાતાની, અસલામતીનું એક બિહામણું પાસું ઓપન થયું છે, એ સ્વીકારવું રહ્યું. અગેઈન, ધ ફેમ ગેમ પણ વર્તમાન અને (છ મહિના પહેલાંના) ભૂતકાળના ફલેશબેક વચ્ચે અફળાતી હોવાથી દર્શક માટે એ આકરો વ્યાયામ બની રહે છે. માધુરી દીક્ષિત નિશંક, તેના ચરમ પર છે પણ બિજોય નામ્બિયાર, કરિશ્મા કોહલીએ ડિરેકટ કરેલી (શ્રી રાવે લખેલી) ધ ફેમ ગેમ એક મેચ્યોર્ડ લેવલનું ક્ધટેન્ટ પીરસે છે, જે હોવું જોઈએ એટલું એન્ટરટેનિંગ નથી.