ચાર વર્ષથી નિર્માણ થતાં આરોગ્ય કેન્દ્રનું કામ અધૂરું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
રાજ્ય સરકાર નાગરિકોને મળતી વિનામૂલ્યે આરોગ્ય સેવા માટે કટીબધ્ધ છે પરંતુ કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સારવાર પણ જોખમી વાતાવરણમાં થતી હોવાનું સામે આવે છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે વર્ષોથી ચાલતા આરોગ્ય કેન્દ્રની ઇમારત ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ આરોગ્ય કેન્દ્રની છત જર્જરિત હોવાથી કોઈપણ સમયે પડે તેવી સ્થિતિ છે જેના લીધે અહીં સારવાર અર્થે આવતા દર્દીઓના માથે પણ દુર્ઘટનાનો ખતરો તોળાઇ રહ્યો છે. જોકે રાવળીયાવદર ગામ સહિત અન્ય ચાર ગામોમાં નવા આરોગ્ય કેન્દ્રો બનાવવાની પ્રક્રિયા છેલ્લા ચારેક વર્ષથી ચાલી રહી છે જેમાં આરોગ્ય કેન્દ્રનું કામ અધૂરું હોવાથી જૂના આરોગ્ય કેન્દ્રથી કામ ચલાવવું પડે છે આ નવા અધૂરા નિર્માણ થયેલ આરોગ્ય કેન્દ્રોમાં કોન્ટ્રાકટરો બિલ લઈને નાશી ગયા છે અને કામ હજુપણ આધુરુ છે જેના સામે જુના આરોગ્ય કેન્દ્રમાં જ દર્દીઓની સારવાર થઈ રહી છે જ્યારે નવા અધૂરા આરોગ્ય કેન્દ્રમાં બાવળોની ઝાડીઓ અને ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ તરફ નવા આરોગ્ય કેન્દ્રના અધુરા કામને લઈને જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં ફરજિયાત દર્દીઓની સારવારને લીધે જે પ્રકારનું જોખમ ઊભું થઈ રહ્યું છે તેને લઈ અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના આવી છે પરંતુ આજદિન સુધી અધીરા આરોગ્ય કેન્દ્રો કામ પૂર્ણ નથી થયું કે નથી જર્જરિત આરોગ્ય કેન્દ્રનું સમારકામ થયું જેને લઇ સ્થાનિક દર્દીઓ સારવાર અર્થે જતા ડર અનુભવે છે.