‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન
7 દિવસમાં 3 લાખના 800 જેટલા તિરંગાનું વેંચાણ થયું : 15 ઓગસ્ટ સુધીમાં 8 લાખ સુધીના
વેચાણની શક્યતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કર્યું છે ત્યારે આ વર્ષે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે દૈનિક રૂ.40 હજારના તિરંગાનું વેચાણ થયું છે અને હજુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ આંકડો 8 લાખ સુધી પહોંચી જશે તેવી આશા સેવામાં આવી રહી છે.
રાજકોટમાં મહાત્મા ગાંધીને પ્રિય એવા ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ આ વર્ષે ખૂબ જ વધારે જોવા મળી રહી છે. જેથી છેલ્લા એક સપ્તાહમાં 3 લાખની કિંમતના અંદાજિત 800 રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે. હાલ કર્ણાટકના હુબલી શહેર ખાતે હાથ વણાટથી બનાવવામાં આવતા ખાદીના ખાસ રાષ્ટ્ર ધ્વજનું વેચાણ સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યું છે.
આ અંગે રાજકોટ ખાદી ભંડારના મેનેજરે જણાવ્યું હતું કે, કર્ણાટકના હુબલીમાં સરકાર માન્ય ખાદીના રાષ્ટ્રધ્વજ બને છે. રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ ત્યાંથી જ તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના 15 દિવસ પહેલાથી જ લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી માટે આવતા હોય છે. ગત વર્ષે સ્વતંત્ર દિનને અનુલક્ષીને અંદાજિત રૂ.1 લાખના તિરંગાનું વેંચાણ થયું હતું. જેની સામે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે અને હર ઘર તિરંગા અભિયાન કારણે માત્ર 7 દિવસમાં રૂ.3 લાખની કિંમતના અંદાજિત 800 જેટલા રાષ્ટ્રધ્વજનું વેંચાણ થઇ ગયું છે. જે પાછલા વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધારે છે.
- Advertisement -
રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં અલગ અલગ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વહેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂ.195 થી શરૂ કરી રૂ.2900 સુધીની કિંમતના તિરંગા ઉપલબ્ધ છે.