કચ્છ, દ્વારકા, પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં 218 થી 1131% વધુ વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમા હજુ ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ નથી છતાં બિપોરજોય વાવાઝોડાના પ્રભાવ હેઠળ 19 ટકા વરસાદ પડી ગયો છે.સામાન્ય રીતે જુન મહિનામાં 10-15 ટકા જ વરસાદ થતો હોય છે. પરંતુ વાવાઝોડાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરાવી છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ગત સપ્તાહમાં વાવાઝોડાના પ્રભાવ હેઠળ વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં સીઝનનો સરેરાશ 19 ટકા જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 39 ટકા વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગ ગુજરાતનાં વડા મનોરમા મોહંતીએ કહ્યું કે બિપોરજોયનાં આગમન પૂર્વે ટકકર વખતે અને લેન્ડફોલ બાદ કચ્છ, દેવભૂમી દ્વારકા, પાટણ તથા જામનગર જીલ્લામાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ થયો હતો.
18 જુન સુધીમાં જેટલો વરસાદ થતો હોય તેની સરખામણીએ કચ્છમાં 1131 ટકા વધુ થયો છે. બનાસકાંઠામાં 652 ટકા, દેવભુમી દ્વારકામાં 558 ટકા તથા સાબરકાઠામાં 218 ટકા વધુ વરસાદ થયો છે. રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વતા-ઓછા પ્રમાણમાં વરસાદ થયો હતો. રાજયમાં વરસાદની સાથોસાથ જળાશયોમાં પણ પાણીની આવક થઈ હતી. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી એકમાત્ર મુંદ્રાનાં કાલાઘોડામાં 80 ટકા પાણી હતું. બિપોરજોય વાવાઝોડા બાદ ગજનસાર, કંકાવટી તથા ડોન પણ છલકાયા હતા. જયારે અન્ય ચાર જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી થઈ ગયુ હતું.
સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉતર ગુજરાતના જળાશયોમાં નવા પાણી આવ્યા હતા. કચ્છનાં 20 જળાશયોમાં 68 મીલીયન કયુબીક મીટર પાણી ઠલવાયું હતું. તે 323.3 મીલીયન કયુબીક મીટરની ક્ષમતાનું 10 ટકા છે. ઉતર ગુજરાતનાં જળાશયોમાં 108 મીલીયન કયુબીક મીટર પાણી ઠલવાયું હતું. જે સંગ્રહાલયનાં 9 ટકા છે.
સૌરાષ્ટ્રનાં કેટલાંક ડેમોમાં પણ નવા પાણી આવ્યા હતા. બીજી તરફ સૌરાષ્ટ્રની જીવાદોરી સમા ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 224.2 એમસીએમનો વધારો થયો હતો જે કુલ સપાટીના 50 ટકા છે ડેમમાં 19581 કયુસેક પાણીની આવક હતી.