ઝાંઝરડા રોડ ચોકડી પર તબીબો આવતાં કોમર્શિયલ બાંધકામમાં 3 ગણા ભાવ વધ્યાં
રૉ મટિરિયલનાં ભાવ વધતા ચો.ફૂટમાં 400થી 500 રૂપિયાનો ભાવ વધારો થયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની વાત કરીએ તો અહીં ખાસ મોટા ઉદ્યોગો નથી. જૂનાગઢમાં પ્રવાસનક્ષેત્રે મોટી આવક છે. ઉપરાંત મધ્યવર્ગને પરવડે તેવું શહેર છે. નોકરી કરતાં લોકો જૂનાગઢમાં રહે છે અને આસપાસનાં તાલુકાઓમાં નોકરી માટે જાય છે. પ્રવાસનને બાદ કરતા શહેરમાં બાંધકામ ઉદ્યોગ પણ એક આવકનું ક્ષેત્ર છે. આ ઉદ્યોગ પણ મોટી રોજગારી પુરી પાડે છે. શહેરનો વિકાસ પણ ઝડપભેર થઇ રહ્યો છે. ખાસ કરીને વાડલા ફાટક રોડ, ચોબારી રોડ, ઝાંઝરડા ચોકડીથી આગળનો વિસ્તાર સહિતનાં વિસ્તારમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે.
ખાસ કરીને ઝાંઝરડા ચોકડી અને બાયપાસ રોડ ઉપર કોમર્શીયલ બાંધકામ વધી રહ્યાં છે. તેનું એક કારણે પાંચ થી છ વર્ષ પહેલા અહીં મોટી હોસ્પિટલ બની હતી. બાદ શહેરનાં અન્ય તબીબો પણ અહીં આવ્યાં હતાં. જેના કારણે ઝાંઝરડા ચોકડી વિસ્તારનો ઝડપથી વિકાસ થયો છે. અને ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જૂનાગઢ બિલ્ડર્સ એસોસીએશનેનાં ચેરમેન અને પૂર્વ મેયર ધીરુભાઇ ગોહિલે જણાવ્યું હતું કે, બાંધકામ ઉદ્યોગમાં હાલ કરંટ છે. પુછપરછ વધુ થઇ રહી છે. તેમજ રૉ મટિરિયલનાં ભાવ વધતા ચો.ફૂટમાં 400 થી 500 રૂપિયાનો વધારો થયો છે. ઝાંઝરડા રોડ ચોકડી પર 10 વર્ષમાં કોમર્શીયલ બાંધકામમાં 3 ગણો ભાવવધારો આવ્યો છે.
- Advertisement -
જૂનાગઢમાં બાંધકામક્ષેત્રમાં કયાં પ્રકારનો માહોલ છે ?
ધીરુભાઇએ કહ્યું હતું કે, હાલ તેજી છે એવું તો ન કહી શકાય. પરંતુ બેજાર ખુલ્લી છે. બે વર્ષ બાદ બાંધકામ ઉદ્યોગમાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ સૌથી વધુ પુછપરછ થઇ રહી છે. દિવાળી બાદ બજારમાં તેજી આવે તેવી શક્યતા છે. શહેરમાં બાંધકામ થઇ રહ્યાં છે. હાલ તો કરંટ છે.
રૉ મટિરિયલનાં ભાવ વધતાં વેચાણ ભાવમાં વધારો કર્યો?
ધીરુભાઇએ કહ્યું હતું કે, રાજકોટ સહિતનાં બિલ્ડરોએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ગુજરાત બિલ્ડર્સ એસો.ની મીટીંગમાં નિર્ણય થયો હતો. રૉ મટિરિયલનાં ભાવ વધતા બાંધકામ વેચાણ ભાવમાં ચોરસ ફૂટમાં 400 થી 500 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બિલ્ડરો પણ પોતાની રીતે નિર્ણય કરી શકે છે.
બિલ્ડરોને નુકશાન?
ધીરુભાઇએ કહ્યું હતું કે, રૉ મટિરિયલનાં ભાવ વધ્યા છે. ત્યારે કેટલાક બિલ્ડરોએ સાઇટ મુકી હોય ત્યારે બુકીંગ શરૂ કરી દીધું હોય છે. બુકીંગ બાદ રૉ મટિરિયલનાં ભાવ વધતા તેમને બુકીંગનાં ભાવમાં બાંધકામ પૂરુ કરીને આપવું પડે છે.આવા સંજોગોમાં બિલ્ડરોને નુકશાન પણ ભોગવવું પડે છે.
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ અને ચોકડી વિસ્તારમાં 10 વર્ષમાં કેટલા ભાવ વધ્યાં?
ધીરુભાઇએ કહ્યું હતું કે,ઝાંઝરડા ચોકડી પર દવાખાના શરૂ થતા અહીં વિકાસ થયો છે. તેમજ જૂનાગઢનાં અન્ય તબીબો પણ અહીં આવી રહ્યાં છે. પરિણામે ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં કોમર્શીયલ બાંધકામમાં 3 ગણો અને રહેણાંકમાં બે ગણો વધારો થયો છે.


