રાજકોટ કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના તૈયાર માલ પલળીને બગડી જાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હાલ રવિ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો તેને વેચવા માર્કેટ યાર્ડ જાય છે ત્યારે કમોસમી વરસાદ પડે તો પાક પલળી જાય છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે. આથી ભારતીય કિસાન સંઘ રાજકોટના પૂર્વ પ્રમુખ દિલીપ સખિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને સહકાર વિભાગને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદમાં માર્કેટ યાર્ડમાં પાક પલળતા ખેડૂતોને ભોગવવું પડે છે. આથી સરકાર રાજ્યના તમામ યાર્ડમાં વધુમાં વધુ શેડ બનાવવામાં મદદરૂપ થાઓ.
દિલીપ સખિયાએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં માવઠાની અસરને હિસાબે સૌરાષ્ટ્રના ખેડૂતોને ઘણી બધી નુકશાનીનો સામનો કરવો પડે છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના તૈયાર માલ પલળીને બગડી જાય છે. આથી પાકની નુકસાનીનો ભોગ ખેડૂતો બને છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના વાહનનો ગેટ પાસ નીકળ્યા પછી ખેડૂતોના પાકની સંપૂર્ણ જવાબદારી કમિશન એજન્ટ અથવા માર્કેટિંગ યાર્ડે લેવી જોઈએ.
ખેડૂતોનો પાક બગડે તો તેનું વળતર આપવાની જવાબદારી કમિશન એજન્ટ અથવા માર્કેટિંગ યાર્ડે ભોગવવી પડે. માર્કેટિંગ યાર્ડે વધુમાં વધુ શેડની વ્યવસ્થા કરવી જોઈએ અને આ કાર્યમાં સરકારે તેની મદદ કરવી જોઈએ. તેમજ કમિશન એજન્ટો પાસે પોતાની દુકાનમાં ઊતરેલો પાક ઢાંકવા માટે કાગળની વ્યવસ્થા હોવી જોઈએ.
આ અંગે દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો પાક તો બગડે છે પરંતુ માર્કેટ યાર્ડમાં તૈયાર આવેલો પાક પણ ક્યાંકને ક્યાંક બગડતો હોય છે. હકિકત માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનો ગેટ પાસ નીકળી ગયા પછી આ જવાબદાર કોણ? માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા જાળવવી કે એજન્ટોએ પોતાની વ્યવસ્થા જાળવવી? એના માટે ભારતીય કિસાન સંઘ વતી અમારી ટીમે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સહકાર વિભાગને પત્ર લખી વિનંતી કરીએ છીએ કે, તમામ માર્કેટિંગ યાર્ડમાં વધારેમાં વધારે શેડની વ્યવસ્થા કરવામાં એ લોકોને મદદરૂપ થાઓ.
વધુમાં જણાવ્યું હતું કે, આ પત્ર દ્વારા અમે એજન્ટોને પણ વિનંતી કરીએ છીએ કે, પોતાની દુકાને એટલી બધી પ્લાસ્ટિકની વ્યવસ્થા કરે કે જે પણ ખેડૂતોનો પાક આવ્યો હોય તો ઢાંકી શકાય. આ રીતની વ્યવસ્થા કરી દરેક થોડું થોડું ધ્યાન આપે તો ખેડૂતોએ ચાર મહિના મહેનત કરી પાક તૈયાર કર્યો હોય તો તેનો બગાડ ન થાય.