પતિનું ઘર છોડી માવતર રહેવા આવતી રહેલ જૂનાગઢની યુવતી વિરૂઘ્ધ નામદાર કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢમાં રહેતા માયાબેનના લગ્ન રાજકોટ મુકામે રહેતા મનિષભાઈ ડાભી સાથે થયેલ હતાં. બાદમાં માયાબેન કોઈપણ જાતનાં કારણો વગર પોતાનાં પતિનું ઘર છોડી જૂનાગઢ મુકામે પોતાનાં માવતરે રીસામણે આવતા રહેલ હતાં. જે બાદ પતિ મનિષભાઈએ પોતાની પત્નિને પરત તેડી લાવવા માટે સતત પ્રયત્નો કરેલ હતાં. પરંતુ માયાબેન પોતાનાં પતિ સાથે લગ્ન જીવન જીવવા માટે પરત સાસરીયે ગયેલ ન હતાં. આથી મનિષ ભાઈએ પોતાની પત્નિને પરત આવતા રહેવા માટેની વકીલ મારફત નોટીસ પાઠવવી પડેલ હતી.આમ છતા માયાબને મનિષભાઈ સાથે લગ્ન જીવન જીવવા માટે રાજી થયેલ ન હતાં. બાદમાં ના છુટકે મનિષભાઈએ પોતાની પત્નિ વિરૂઘ્ધ લગ્ન હક્કો પુરા કરાવવા માટે નામદાર સમક્ષ કેસ કરેલ હતો.
- Advertisement -
આ કેસમાં પત્નિ માયાબેને પોતે પોતાનાં પતિ સાથે રહેવા માટે તૈયાર નથી અને પતિ થી અલગ રહેવા માટે નાં તેઓ પાસે વિવિધ કારણો હોવાની નામદાર કોર્ટ સમક્ષ રજુઆત કરેલ હતી. બાદમાં પતિ મનિષભાઈએ પોતાનાં તરફે એડવોકેટ્ સુરેશ પરમારને રોકેલ હતાં. પતિ મનિષભાઈનાં વકીલે પોતાનાં પક્ષે વિવિધ પુરાવાઓ રજુ કરેલ હતા અને માયાબેનની ઉંડાણ પૂર્વકની ઉલટ તપાસ કરેલ હતી. જે ઉલટ તપાસમાં પત્નિ માયાબેનની કોર્ટ સમક્ષની રજુઆત ખોટી હોવા બાબતની હકીકતો સામે આવેલ હતી. પતિ પક્ષે વકીલ સુરેશ પરમારે હિન્દુ લગ્ન ધારાને લગતા કાયદા વિષયક ધારદાર દલીલો કરેલ હતી. અંતે નામદાર કોર્ટે બન્ને પક્ષે રજુ થયેલ હકીકતો અને દલીલોને ધ્યાને લઈને પતિ પક્ષ મનિષભાઈની અરજી મંજુર કરતાની સાથે પત્નિ પક્ષ માયાબેનને ચુકાદાની તારીખનાં એક માસમાં પતિ મનિષભાઈના લગન હક્કો પુરા પાડવાનો હુકમ ફરમાવેલ હતો ચુકાદા બાદ પતિ પક્ષનાં વકીલ સુરેશ પરમારને રૂબરૂ પુછતા તેઓએ જણાવેલ હતું કે, ” ઉલ્લેખનીય છે કે, હાલ સભ્ય સમાજમાં કાયદાઓ હંમેશા સ્ત્રીઓની જ તરફેણ કરે છે, એવી ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. સમાજનો દરેક વર્ગ એવી જ માન્યતા સાથે જીવે છે કે કાયદાકીય કેસોમાં સ્ત્રીઓની જ જીત થાય. પરંતુ કાયદો બધા માટે સમાન હોય છે. કોર્ટ સમક્ષ રજુ થયેલ હકીકતો ઉપરથી જ કોર્ટ ચુકાદો આપવો એ નક્કિ કરતી હોય છે. તાજેતરમાં નામદાર કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને કાયદામાં સ્ત્રી ની જ જીત થાય તે રીતની સમાજની ગેરમાન્યતાને ખોટી સાબીત કરેલ છે. આ ચુકાદાથી સમાજમાં પતિ-પત્નિ વિષયક કાયદાઓ બાબત જાગૃતી આવશે.