સ્મિત સખિયા અને રવિ વેકરીયાએ હવાલો રાખી ફરિયાદી ઉપર રિવોલ્વર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બનાવની હકીકત એવી છે કે ફરિયાદી પ્રિન્સ મનોજભાઈ ઠુંમર દ્વારા રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ આપવામાં આવેલ કે આરોપી ઉતમ વિરડીયાએ આ કામના ફરીયાદીને મોબાઈલમાં જુગાર રમવાની આઈ.ડી.આપેલી હતી અને તેમાં ફરિયાદી પ્રથમ રૂા. 5,00,000/- હારી ગયેલ જે તેણે કારખાનેથી તેના પિતાની જાણ બહાર ખાનામાંથી કાઢી લઈ આરોપીને ચુકવી આપેલ હતા ત્યારબાદ આશરે 4થી 5 માસ દરમ્યાન કુલ રૂા. 1.37 કરોડની હાર-જીત થયેલ હતી, જેમાં ફરિયાદીએ આરોપીને રૂા. 71,50,000/- ચુકવી આપેલ હતા તેમજ ફરીયાદી જુગારમાં રૂપિયા જીતી જતા રૂા. 36,00,000/- આરોપી પાસેથી મેળવેલ હતા ત્યારબાદ બાકી રહેતા રૂા. 64,50,000/-ની આરોપી દ્વારા માંગણી કરતાં ફરિયાદી પાસે તેને ચુકવવાના રૂપિયા ન હોય આથી તેઓએ આરોપીની ઓફીસે તેના પિતા સાથે સમાધાનની વાતચીત કરવા ગયેલ હતા તે સમયે આરોપી રવિ વેકરીયા એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને કહેલું કે અમો જેનો હવાલો લઈએ છીએ તેના રૂપિયા કઢાવીને જ રહીએ છીએ. અને આ સમયે આરોપી સ્મીત સખીયા હાજર હોય તેની લાયસન્સ રિવોલ્વર કાઢી ફરીયાદીના માથા પર મુકી ધમકી આપેલ હતી આથી ફરીયાદીના પિતા આજીજી કરવા લાગતા બેથી ત્રણ દિવસનો સમય આપેલ હતો.
ત્યારબાદ ફરિયાદીના પિતાએ તેના સમાજના આગેવાનને વાત કરતા તા. 9-4-24ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અરજીના કામે પોલીસ દ્વારા આરોપીઓને હેરાન પરેશાન કરવામાં આવતા આ કામના આરોપીઓ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને પી.એસ.આઈ. કોન્ટેબલ તથા રાજકોટના રાજકીય અગ્રણી વિરૂદ્ધ લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલી હતી આથી તેના બીજા દિવસે આ કામના ફરીયાદી દ્વારા રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ અરજી કરવામાં આવેલી હતી જે અરજીના કામે પોલીસ દ્વારા તા. 16-7-24ના રોજ આઈ.પી.સી. કલમ 386, 506(2), 114 તથા આર્મ્સ એકટની કલમ 30 મુજબનો આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો અને આરોપીઓ સ્મીત સખીયા, રવિ વેકરીયા તથા ઉતમ વિરડીયાને અટક કરી નામદાર અદાલતમાં ત્રણ દીવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવેલ હતા.
બાદમાં આરોપીઓના રીમાન્ડ પુર્ણ થયે નામદાર અદાલતમાં રજુ કરવામાં આવતા આરોપીઓના વકીલ દ્વારા આરોપીઓની જામીન અરજી મુકવામાં આવેલી હતી અને તે મતલબની દલીલ કરવામાં આવેલી હતી કે સદરહુ ગુન્હામાં ફરિયાદીએ પોતે જુગાર રમેલો હોય અને જુગારની હાર-જીતની રકમ હોય તેમ છતાં જુગાર ધારા મુજબનો કોઈ ગુન્હો દાખલ કરવામાં આવેલ નથી, વિશેષમાં એ મતલબની દલીલ કરવામાં આવેલી કે ફરિયાદીએ સદરહુ ફરિયાદ રાજકીય આગેવાનના કહેવાથી પોલીસ મશીનરી ઉપર દબાણ લાવી ભારે કલમો મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હોય કહેવાતી ફરીયાદમાં આઈ.પી.સી. 386 મુજબના કોઈ તત્વો ફલીત થતા ન હોય તેમ છતાં આરોપીઓને યેનકેન પ્રકારે જેલહવાલે કરવાના એકમાત્ર હેતુસર આઈ.પી.સી. કલમ 389 જેવી ભારે કલમ નોંધી ફરિયાદ લેવામાં આવેલ હોય અને કહેવાતી ફરિયાદમાં આરોપીઓએ ફરિયાદીને મૃત્યુના ભયમાં મુકી કોઈ વસ્તુ કે મીલ્કત કે રોકડ રકમ પડાવી લીધેલ હોય તેવું ફરીયાદ પરથી ફલીત થતું ન હોય આમ આરોપીઓના વકીલ દ્વારા આરોપીઓને જામીન પર મુકત કરવા ભારપૂર્વકની દલીલ કરવામાં આવેલી હતી. આથી આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈ રાજકોટના મહે. ચીફ જયુ. મેજી. દ્વારા સદરહુ કામના આરોપીઓને યોગ્ય શરતોને આધીન દરેકને રૂા. 30,000/-ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો. આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.