દિલ્હીની એક કોર્ટે અરવિંદ કેજરીવાલને 5 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની જામીનની મુદત પૂરી થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ રવિવારે (2 જૂન) તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા
કેજરીવાલે આત્મસમર્પણ કર્યા પછી, તેમને વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા મેજિસ્ટ્રેટ સંજીવ અગ્રવાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 20 મેના રોજ, EDએ કોર્ટમાં અરજી દાખલ કરીને તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ સુધી વધારવાની માંગ કરી હતી.
- Advertisement -
અરવિંદ કેજરીવાલના વકીલો હૃષીકેશ કુમાર અને વિવેક જૈને અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, આ કેસમાં તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.
આત્મ સમર્પણ પહેલા હનુમાન મંદિરમાં પૂજા કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાર્ટીના નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સહિતના કાર્યકરો સાથે તિહાર જેલ જવા રવાના થયા હતા. તિહાર જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા અરવિંદ કેજરીવાલ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલે કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.