બેઝબોલનો ધોકો માથામાં માર્યાની નિવૃત્ત ફોરેસ્ટ ઓફીસરે ફરિયાદ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બનાવની હકીકત જોતાં ફરિયાદી વાઘજીભાઈ મુળુભાઈ ડવ જેઓ નિવૃત્ત ફોરેસ્ટ ઓફીસર છે, તેઓએ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે ગત તા. 27-9-21ના સવારે 9-30 કલાકે તેઓ નીલકંઠ મહાદેવના મંદિરે પૂજા કરવા ગયેલ હતા ત્યારે આ કામના આરોપી નં. 1 દીપક બહાદુરભાઈ સોનારા, 2. દેસુરભાઈ હરસુરભાઈ ચાવડા, 3. રામદેવભાઈ મુળાભાઈ માલકીયાએ એકસંપ કરી સમાન ઈરાદો પાર પાડવા પ્લાન બનાવેલ અને ફરિયાદીની દીકરી જલ્પાબેન કે જે આરોપી નં. 1 દીપકની પત્ની થતી હોય અને જે તેઓના ઘરે રીસામણે હોય જેનું મનદુ:ખ રાખી ફરિયાદીને મારવાનો પ્લાન બનાવેલ હોય જે મુજબ તેઓ તા. 27-9-21ના સવારે 9-30 કલાકે ફરિયાદી જ્યારે નીલકંઠ મહાદેવના મંદિરે પૂજા કરતા હતા ત્યારે આરોપી નં. 1 તથા 2 પોતાની અલ્ટો કાર લઈ મંદિરના કંપાઉન્ડમાં જઈ આરોપી નં. 1એ બેઝબોલનો ધોકો લઈ ફરિયાદી પૂજા કરતા હોય તેને માથાના ભાગે પાછળથી ઘા કરી ફરિયાદીનું મોત નિપજાવવા હુમલો કરતાં ફરિયાદી પડી જતાં બીજા બેઝબોલના 8થી 10 ઘા ફરિયાદીના માથાના ભાગે મારી ગંભીર ઈજાઓ કરતાં ફરિયાદી પડી ગયેલ હોય તેથી આરોપીઓને લાગેલ કે ફરિયાદી મરી ગયેલ છે તેથી આરોપી નં. 2ના એ આરોપી નં. 1ને જણાવેલ કે કામ પૂરુ થઈ ગયેલ છે જેથી બંને ત્યાંથી કાર લઈ જતાં રહેલ હતા અને આરોપી નં. 3એ ફરિયાદીની આવકજાવક અંગેની તમામ વિગતો આરોપી નં. 1 તથા 2ને જણાવેલ હોય જેથી પ્રથમથી જ કાવતરુ રચી ફરિયાદી ઉપર ખૂની હુમલો કરવાનો પ્લાન કરેલ હતો, જે અંગે વડીયા પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધેલ હતો. જે ગુન્હા અનુસંધાને વડીયા પોલીસ સ્ટેશન દ્વારા દીપક બહાદુરભાઈ સોનારા, દેસુરભાઈ હરસુરભાઈ ચાવડા, રામદેવભાઈ મુળાભાઈ માલકીયાની ધરપકડ કરેલ હતી. ત્યારબાદ તેઓને સેશન્સ અદાલત તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મુક્ત કરેલ હતા. ત્યારબાદ ચાર્જશીટ નામદાર અદાલતમાં રજૂ થતાં કેસ ચાલવા પર આવેલ હતો. જેમાં ફરિયાદપક્ષ તરફે કુલ 21 સાક્ષીઓ તપાસવામાં આવેલ તથા 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયેલ હતા. જેમાં પંચનામાઓ, સી.આર.પી.સી.ની કલમ 164 મુજબનું નિવેદન, સીસીટીવી ફૂટેજ, એફએસએલ રીપોર્ટ, હથિયારો વગેરે પુરાવાઓ રજૂ થયેલ હતાં.
ત્યારબાદ કેસ ચાલી જતાં આ કેસ ફાઈલ દલીલ પર આવેલ હતો. જેમાં આરોપીઓ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે આ કેસમાં આરોપી સામે કોઈ સીધો પુરાવો નથી કે કોઈ આડકતરો પુરાવો પણ મળી આવેલ નથી તેમ છતાં પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરી આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલ છે, તેમજ તમામ પંચો અસમંત થયેલ છે, તેમજ ફરિયાદી તેમની પત્ની, પુત્રી તથા તેના ભત્રીજા સિવાય કોઈ સ્વતંત્ર સાક્ષીએ ફરિયાદીને સમર્થન કરેલ નથી તેમજ જે સ્વતંત્ર સાક્ષી તપાસવામાં આવેલ છે તેઓે ફરિયાદથી વિરુદ્ધનું કથન જણાવેલ છે તેમજ આ કામે તપાસ કરનાર અધિકારી દ્વારા જે સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલ છે તે સીસીટીવી ફૂટેજમાં પણ બનાવને સમર્થનકારક પુરાવાઓ જણાય આવતા નથી તેમજ સીસીટીવી ફૂટેજમાં દેખાતા કોઈ માણસોના નિવેદનો આ કામે લેવામાં આવેલ નથી કે કોલ ડિટેઈલ અંગેનો કોઈ પુરાવો મળી આવેલ નથી તેમજ આરોપી નં. 1થી 3નાઓના ગુન્હાહિત કાવતરા અંગેનો કોઈ પુરાવો મળી આવેલ નથી તેમજ અગાઉના મનદુ:ખ અંગેની કોઈ ફરિયાદ કે તેને લગતો કોઈ પુરાવો મળી આવેલ નથી. ફરિયાદીએ ફરિયાદમાં અન્ય બે વ્યક્તિના નામ જણાવેલ નથી જેઓની ઓળખ પરેડ કરાવવામાં આવેલ પરંતુ ફરિયાદીની ઉલટ તપાસ જોવામાં આવે તો તેઓ પહેલેથી જ હાલના આરોપીઓને ઓળખતા હતા. ફરિયાદીને જે ઈજાઓ થયેલ છે તે સાદી ઈજાઓ હતી તેવી કોઈ ગંભીર ઈજાઓ થયેલ ન હતી, તેમજ નજરે જોનાર સાક્ષીની જુબાની મુજબ ફરિયાદી મંદિરમાં પડી જતાં તેઓને ઈજા થયેલાનું જણાવેલ છે.
ત્યારબાદ આરોપી નં. 1 તથા ફરિયાદીની પુત્રીના છુટાછેડા આરોપી નં. 1 જેલમાં હતા ત્યારે કરાવવામાં આવેલ હતા જે જોવામાં આવે તો હાલનો કેસ છુટાછેડા લેવડાવવા માટે ઉભો કરેલ હોય તેવું પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે તેમજ ફરિયાદ પક્ષે જે એફએસએલનો રિપોર્ટ રજૂ કરવામાં આવેલ તેમાં જે હથિયારો ઉપર તથા કપડા ઉપર ફરિયાદીનું લોહી મળી આવેલ પરંતુ તે રિપોર્ટમાં પણ આરોપીના લોહીના નમૂનાઓ જુદા આવતા હોય જે જોતાં પણ પાછળથી ઉભો કરેલ હોય તેવું પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે. આમ તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે તો ફરિયાદપક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે જેથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા જોઈએ આમ નામદાર અદાલત દ્વારા ફરિયાદપક્ષે રજૂ થયેલ પુરાવાઓ તેમજ આરોપીઓ તરફેની દલીલો તથા આરોપી તરફે રજૂ થયેલ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ ધ્યાને લઈ આરોપીઓ દીપક બહાદુરભાઈ સોનારા, દેસુરભાઈ હરસુરભાઈ ચાવડા, રામદેવભાઈ મુળાભાઈ માલકીયાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો. આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવીર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.