સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોને EVM ની ખરાઇ કરાવતા આર.ઓ. : કેન્દ્રના 200 મીટરની અંદર તમામ માટે પ્રવેશબંધી
ઇવીએમનો પટારો ખુલતા પૂર્વે પોસ્ટલ બેલેટની મત ગણતરી : ચૂંટણી પંચનો સ્ટાફ અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મત ગણતરી
- Advertisement -
રાજકોટ શહેર જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોની મત ગણતરીનો પ્રારંભ આજે સવારના 8 કલાકથી કણકોટની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સજજડ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં થયો હતો. મત ગણતરી કેન્દ્રમાં ઇવીએમનો પટારો ખુલે તે પહેલા સવારના 7.15 કલાકથી પોસ્ટલ બેલેટની મત ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇવીએમના મતોની ગણતરી શરૂ થતા ટ્રેન્ડ આવવાના શરૂ થવા લાગ્યા હતા.
આ પહેલા વિધાનસભા બેઠકોના રીટનીંગ અધિકારીઓએ રાજકીય પક્ષોના ઉમેદવારોને સ્ટ્રોંગ રૂમમાં લઇ જઇ ઇવીએમ મશીનોની ખરાઇ કરાવી હતી. ત્યારબાદ જ ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી મત ગણતરીના ટેબલ પર લાવવામાં આવેલ હતા.
રાજકોટ ની આઠ વિધાનસભા બેઠક માટે ઇ.વી.એમ. દ્વારા મતગણતરી ની શરૂઆત થઇ ચુકી છે @CEOGujarat @ECISVEEP @SpokespersonECI @DDNewsGujarati @PIBAhmedabad pic.twitter.com/1PBL3s1GZJ
- Advertisement -
— Collector Rajkot (@CollectorRjt) December 8, 2022
મત ગણતરી કેન્દ્રના 200 મીટર વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હોય, ઉમેદવારો, કાર્યકરો, નેતાઓ સહિતનાઓએ વાહનો બહાર પાર્ક કરી પગપાળા મત ગણતરી કેન્દ્રમાં એન્ટ્રી મેળવી હતી. મત ગણતરીના કમ્પાઉન્ડમાં ચૂંટણી અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલા પાસ પર જ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ, અધિક કલેકટર કેતન ઠકકર, અધિક ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર અને ઉમેદવારોની ઉપસ્થિતિમાં મત ગણતરીનો પ્રારંભ થતા રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો અને લોકોને પરિણામ અંગે ઉત્સુકતાનો અંત આવવા લાગેલ હતો.
નિયમોના ચુસ્ત પાલન સાથે આઠ વિધાનસભા બેઠકની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂકી છે @SpokespersonECI @CEOGujarat @ECISVEEP @DDNewsGujarati @PIBAhmedabad pic.twitter.com/MqnaLdyiv6
— Collector Rajkot (@CollectorRjt) December 8, 2022
મત ગણતરીના પ્રારંભિક તબકકે ગોંડલ-જસદણ અને ધોરાજી અને રાજકોટ-68 બેઠકનો પ્રથમ રાઉન્ડનો ટ્રેન્ડ સૌપ્રથમ મળ્યો હતો. મત ગણતરી કેન્દ્ર વિસ્તારમાં પેરામીલીટ્રી ફોર્સ અને પોલીસના ધાડેધાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકો પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ ખેલાયો હતો.
જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર 8, રાજકોટ પશ્ચિમ બેઠક પર 13, રાજકોટ દક્ષિણની બેઠક પર 8, રાજકોટ ગ્રામ્યની બેઠક પર 11, જસદણની બેઠક પર 6, ગોંડલની બેઠક પર 4, જેતપુરની બેઠક પર 8 અને ધોરાજીની બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે કસોકસનો આ ચૂંટણી જંગ ખેલાયો હતો. જે બાદ આજે મત ગણતરી દરમ્યાન ધડાધડ પરિણામો જાહેર થતા, લોકોની ઉત્સુકતાનો અંત આવેલ છે.