જાગૃત નાગરીકે તપાસની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોય છે. ગ્રામ પંચાયતોમાં સદસ્યો, સરપંચ કે અન્યના પોતાના અંગત સ્વાર્થના કારણે વિકાસના કામો અટકી જતા હોય છે. આવી જ સ્થિતિ હળવદ તાલુકાના ચરાડવા ગામમાં બની હોય તેમ લાગી રહ્યું છે જ્યાં સરકારી ગ્રાન્ટના નાણાની ઉચાપત થઈ હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને અરજદારે લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે સરકારી નાણાની ઉચાપત ખરેખર થઈ છે કે કેમ ? તેની તપાસ અત્યંત જરૂરી છે.
- Advertisement -
ચરાડવા ગામના જાગૃત નાગરીક ચંદુભાઇ મોરીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે, અમારા ગામમાં રૂપિયા 5,47,200 ના કામો થયા નથી અને નાણા ઉપાડી લેવામાં આવ્યા છે જેમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિવિધ કામો ચાલુ પણ થયા નથી અને છ મહિના પહેલા વિવિધ વાઉચરથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે જેમાં અનુસૂચિત જાતિના વાસમાં સીસી રોડ બનાવવા માટે રૂપિયા 1,33,200 અને હનુમાનજી મંદિરથી ઉગમણા દરવાજા તરફ પેવર બ્લોકના રૂપિયા 54,000 તેમજ ગોપાલ ઉકાના ઘરથી દેવસી હરજીના ઘર સુધી સીસી રોડના રૂપિયા 2,70,000 અને રૂપિયા 90,000 જેટલા નાણા ઉપાડી લીધેલ છે જેમાં હનુમાનજી મંદિરથી ઉગમણા દરવાજા તરફ પેવર બ્લોકમાં ઓછા નાણા વાપરી અને કામ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, આ નાણાને છ મહિનાથી વધારે સમય નીકળવા છતાં હજી કામ પૂર્ણ થયેલ નથી અને સ્થળ પર કોઇપણ પ્રકારનો માલસામાન પણ હાજર નહીં મળી આવતા અરજદારે તાલુકા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચારની આશંકાએ તપાસ કરવા રજૂઆત કરી છે.