દોડશો તો જીતશો: ‘રાજકોટ રનર ગ્રુપ’ના ‘તોખાર’ રવિ જાદવે એક વર્ષમાં 3851 કિલોમીટર દોડી વિક્રમ સર્જી દીધો
120 કિલો વજન, ‘હાઈ’ સુગર લેવલ સાથે જીવન વ્યતિત કરતાં રવિએ રાજકોટના ‘રનર ગ્રુપ’ને ‘મહેનત’ કરતું જોઈ દોડ લગાવવાનું કર્યું શરૂ: 18 ફેબ્રુઆરી-2018માં યોજાયેલી મેરેથોન વખતે જ પોતાની ઓફિસના ઉદ્ઘાટન હતું ત્યારે શહેરના તમામ રસ્તાઓ ‘બ્લોક’ જોઈને રવિને લાગ્યું હતું કે આ લોકો શું દોડાદોડી કરતાં હશે !
- Advertisement -
2019થી સાઈકલિંગ શરૂ કરનાર રવિ અત્યારે ઉમદા દોડવીર બની ગયા: એક જ વર્ષમાં 205 હાફ મેરેથોન, બે ફૂલ મેરેથોન અને ચાર અલ્ટ્રા મેરેથોન કરી પૂર્ણ: એક જ મેરેથોનમાં સૌથી વધુ 55 કિલોમીટર લગાવી છે દોડ
પેટા: 2021માં લોકો કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે રવિ જાદવે 20મી મેએ પોતાની 200મી હાફ મેરેથોન પણ પૂર્ણ કરી લીધી ! હવે 300 પૂરી કરવાનો લક્ષ્યાંક
ચાર પગથીયા ચડીને હાંફી જતાં નવલોહિયા યુવાન માટે રવિ જાદવ બનશે પ્રેરણાસ્ત્રોત
કોરોના મહામારીમાં ‘ફેટ’ નહીં બલ્કે ‘ફીટ’ લોકો સ્વસ્થ રહ્યા છે તે વાત એક નહીં બલ્કે અનેક વખત પ્રતિપાદિત થઈ ચૂકી છે. ખાસ કરીને દોડવીરો કે જેમણે ‘દોડાદોડી’ને પોતાનો નિત્યક્રમ બનાવી લીધો છે તેઓ કોરોના સામે અડીખમ બનીને ઉભા રહી શક્યા છે. આવા જ એક દોડવીરની કહાની આજે લોકો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે. રવિ જાદવ નામના એક દોડવીર કે જેઓ ત્રણેક વર્ષ પહેલાં 120 કિલો વજન અને સુગર લેવલ ‘હાઈ’ ધરાવતા હતા અને દોડવાનું તો ઠીક પરંતુ ચાલવામાં પણ ‘આળસ’ ધરાવતાં રવિએ રાજકોટમાં યોજાયેલી મેરેથોન અને સાઈક્લોફન બાદ પોતે પણ ઉમદા દોડવીર અને સાઈકલીસ્ટ બનવું છે તેવો દૃઢ નિશ્ર્ચય લઈ લીધો હતો. ‘મન હોય તો માળવે જવાય’ની જેમ રવિ જાદવે તે માટે મહેનત પણ શરૂ કરી દીધી હતી અને તેની આ મહેનત રંગ લાવી હોય તેવી રીતે તેણે એક જ વર્ષમાં 3851 કિલોમીટરની દોડ લગાવી એક નવો વિક્રમ પોતાના નામે કરી લીધો છે.
120 કિલોનું ‘ભારે ભરખમ’ શરીર ઉપર જતાં ‘હાઈ’ સુગર લેવલ અને તેમાં ‘આળસ’નું મિશ્રણ ભળે એટલે તેને ‘ભેદવું’ કોઈ પણ વ્યક્તિ માટે સરળ હોતું નથી. જો કે રવિ જાદવે આ ત્રણેય પડકારોને કોઈપણ ભોગે ભેદીને ‘જાડિયા’માંથી ‘પાતળું’ થવાનો જ નહીં બલ્કે પોતાના નામે કોઈ વિક્રમ નોંધાય તે માટેનો લક્ષ્યાંક સેવી લીધો હતો. કોઈ પણ લક્ષ્યાંક હોય તેની શરૂઆત ક્યાંકથી કરવી જ પડતી હોય છે. રવિએ પણ ધીમે ‘ફિટ’ થવાના અભિયાનનો પ્રારંભ સાઈકલ ચલાવવાથી કર્યો હતો. રેસકોર્સમાં રવિ જ્યારે સાઈકલ ચલાવતો હતો ત્યારે તેણે ‘રનર ગ્રુપ’ લખેલા બ્લુ રંગના ટી-શર્ટ પહેરીને એક ગ્રુપને દોડતું નિહાળ્યું હતું. આ લોકોને દોડતાં જોઈ રવિને પણ વિચાર આવ્યો કે તેણે પણ દોડ માટે પ્રયત્ન કરવો જોઈએ. વિચાર કરવો અને તેને અમલમાં મુકવા વચ્ચે જમીન-આસમાનનું અંતર હોય છે પરંતુ રવિને તો ‘દોડી’ જ લેવું હતું એટલે તેણે ક્ષણભરનો વિલંબ કર્યા વગર બીજા જ દિવસથી દોડ લગાવવાનું શરૂ પણ કરી દીધું હતું. પ્રારંભે તો તે બહુ ઓછું મતલબ કે કિસાનપરાથી કનકાઈ સુધી દોડી શકતો હતો અને આટલી જ દોડમાં તે હાંફી પણ જતો હતો પરંતુ ‘પ્રેક્ટિસ મસ્ટ ગોન’ મતલબ કે પ્રેક્ટિસ કરવાથી કોઈ પણ કસરત પર ‘હાવિ’ થઈ શકાય છે તે સૂત્રને સાર્થક કરીને રવિએ નિયમિત દોડવાનું યથાવત રાખ્યું હતું.
‘રનર ગ્રુપ’ સાથે જોડાયા બાદ એક વખત રવિ ગ્રુપના સભ્યોને મળવા ગયો ત્યારે ત્યાં હરિતસિંહ નામના વ્યક્તિ એવું બોલી રહ્યા હતા કે આ રવિવારે 21, ત્યારપછીના રવિવારે 32 અને તે પછીના રવિવારે 42 કિ.મી. દોડ લગાવવાની છે ! આ સાંભળી રવિ હક્કો-બક્કો થઈ ગયો હતો અને ત્યાંથી નવ દો ગ્યારહ થવાનું મુનાસીબ માન્યું હતું. આ ચર્ચા એટલા માટે થઈ રહી હતી કેમ કે એ વર્ષે 2019ની મેરેથોન નજીક હતી અને એટલા માટે ‘રનર ગ્રુપ’ તેની તૈયારીઓ કરી રહ્યું હતું. જો કે હજુ દોડની પા…પા…પગલી કરી રહેલો રવિ કોઈ કારણોસર આ મેરેથોનનો ભાગ બની શક્યો નહોતો.
‘જેને કંઈક બનવું જ હોય તેને કોઈ રોકી શકતું નથી’ની માફક રવિએ 220માં જૂનાગઢ ખાતે યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધો હતો. જિંદગીની પહેલી મેરેથોનમાં જ તેણે 21 કિલોમીટરની દોડમાં ભાગ લઈને 2.45 કલાકમાં દોડ પૂર્ણ કરી લીધી હતી. આ મેરેથોન રવિ માટે ‘માઈલસ્ટોન’ સાબિત થઈ હોય તેવી રીતે પછી તો તેણે પાછળ વળીને જોવાનું માંડી વાળી સતત દોડ લગાવ્યે રાખી હતી અને કોરોના મહામારી પણ તેની દોડ પર બ્રેક લગાવી શકી નહોતી. જો કે આ સમયમાં તેણે ‘મર્યાદિત’ પ્રેક્ટિસ કરવાનું પણ ચાલું જ રાખ્યું હતું પણ જેવી લોકડાઉનમાં રાહત મળી કે તેણે એક દિવસનો ‘આરામ’ કર્યા વગર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સપ્તાહમાં માંડ એક મેરેથોન પૂર્ણ કરી રહેલો રવિ અત્યારે સપ્તાહની ચાર મેરેથોન પૂર્ણ કરી શકવા માટે સક્ષમ બની ગયો છે. તેની ‘ધગશ’ અને મહેનત થકી અત્યાર સુધીમાં તેણે 205 હાફ મેરેથોન, 2 ફૂલ મેરેથોન અને 4 અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી છે.
આ અંગે રવિ કહે છે કે જ્યારે મેં દરરોજ હાફ મેરેથોન દોડવાનું નક્કી કર્યું ત્યારે વિના વિલંબે 11 મેરેથોન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવ્યો હતો અને તેને પૂર્ણ પણ કરી બતાવ્યો હતો. ત્યારબાદ 15, 21 અને 25 મેરેથોન દોડ પણ પૂર્ણ કરી સતત 47 હાફ મેરેથોન મેં થાક્યા કે હાર્યા વગર પૂર્ણ કરી બતાવી છે. આ રીતે મેં એક વર્ષમાં 106 મેરેથોન પૂર્ણ કરીને 2020ને વિદાય આપી હતી.
2020માં બનાવેલા રેકોર્ડ 2021માં તોડી બતાવવા છે તેવો નિર્ણય લઈ ચૂકેલા રવિએ પોતાની ‘દોડગતિ’ યથાવત રાખતાં 20 મે-2021માં 200મી હાફ મેરેથોન પૂર્ણ કરી લીધી હતી અને હવે તેણે 300 હાફ મેરેથોન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે જે પૂર્ણ કરવા માટે તે અથાગ મહેનત પણ કરી રહ્યો છે. રવિએ એક વર્ષમાં 3851 કિ.મી.દોડ લગાવી છે અને એક જ ઈવેન્ટમાં સૌથી વધુ 55 કિ.મી. દોડ લગાવીને આગવો રેકોર્ડ પોતાના માટે બનાવ્યો છે. રવિએ 75 કિલોમીટરના સફેદ રણનમાં પણ રનિંગ કરેલ છે જે તેની અત્યાર સુધીની સૌથી વધુ રનિંગ છે. તેને 75 કિલોમીટરનું અંતર કાપતાં 10 કલાક ઉપરનો સમય લાગ્યો હતો.
કોઈ પણ વ્યક્તિ સફળ બને તેની પાછળ એક અથવા તો વધુ વ્યક્તિનો હાથ હોય છે તેવી રીતે રવિ પણ પોતાને ‘તોખાર’ બનાવવાનો શ્રેય દાનાભાઈ, રુચા, ડો.જયેશભાઈ, ડો.કમલભાઈ, મીલન, જયનીશ, રાજુ, હિતેશ, સીરાજ, ડો.દીપ્તીબેન, શીતલ, બિન્દુ, પાર્થ, ઋષભ સહિતનાને આપે છે.


