– હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ચીનના દ્વાર ત્રણ વર્ષ પછી ખુલ્યા: બે સપ્તાહના કોરન્ટાઈન નિયમનો અંત
– બીજીંગ-શાંઘાઈ સહિતના મોટા શહેરોમાં પણ લોકડાઉન-સતત ટેસ્ટીંગ પ્રક્રિયા બંધ કરાઈ: 8 જાન્યુઆરીથી ચીન ખુલ્લુ થઈ જશે
- Advertisement -
કોરોના પોઝીટીવને પણ કામકાજ પર પરત આવવા જણાવ્યું: હોસ્પિટલોમાં હજુ લાખો દર્દીઓ પરંતુ સતાવાર આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવાયું: મોટાભાગના વૃદ્ધો જ પોઝીટીવ બનતા હોવાનો દાવો
બિજીંગ: વિશ્વભરમાં ફરી કોરોનાની દહેશત ફેલાવનાર તથા કોવિડ સામે સૌથી આકરા પ્રતિબંધો લાદી વિશ્વને લોકડાઉન તથા કોરન્ટાઈન જેવા શબ્દોથી ધ્રુજાવી દીધા બાદ ચીને હવે તેની કોવિડ સામેની ઝીરો ટોલરન્સ નીતિનો અંત લાવ્યો છે અને બે મુખ્ય શહેરો બિજીંગ તથા શાંધાઈમાં જનજીવન સામાન્ય બનાવી દીધું છે તેમજ સ્થાનિક લોકોને કોવિડ-પોઝીટીવ છતાં પણ ઓફિસમાં અને અન્ય સ્થળો પર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની સાવધાની સાથે કામકાજ માટે મંજુરી આપી છે.
જો કે હજું લાખો ચીની નાગરિકો કોરોનાગ્રસ્ત થઈને સારવાર હેઠળ છે અને હોસ્પીટલો કોવિડ પોઝીટીવથી ભરચક છે પણ તેમાં મોટાભાગના 60 વર્ષથી ઉપરના વૃદ્ધ તથા કો-મોર્બીડીટી ધરાવતા લોકો છે.
- Advertisement -
ચીનના પ્રમુખ શી જીનપીંગે હવે લોકડાઉન અને સતત ટેસ્ટીંગ સહિતની જે આકરી પોલીસી અમલમાં મુકી હતી તે પરત ખેચી લીધી છે. જો કે હજુ પણ ચીનમાં કોરોના રોજ લાખો લોકોને સંક્રમીત કરી રહ્યો છે તેનાથી ચીનના જ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો હાલના તબકકે આ પોલીસી શિફટ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને હાલ હોસ્પીટલોમાં સામાન્ય કરતા પાંચથી છ ગણા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે પણ સતત છઠ્ઠા દિવસે બિજીંગમાં કોવિડથી કોઈ મૃત્યુ નોંધાયા નથી તેવો સરકારનો દાવો છે અને નિષ્ણાંતો માને છે કે આ તબકકે હવે દવાઓ તથા સારવારમાં તમામ પ્રયાસોથી કોવિડને ડામી શકાશે પણ શાંધાઈ અને બિજીંગમાં મેટ્રો સહિતની સેવાઓ પુન: ધમધમતી થઈ છે.
બીજી તરફ સરકારે હવે ‘એ’ તથા ‘બી’ ગ્રેડ પ્રતિબંધોમાં મોટી છૂટછાટ આપી છે અને આગામી માસથી ચીન તેની સીમાઓ ખોલી નાખશે. તા.8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જે ચીન પહોંચશે તેને 12 દિવસના ફરજીયાત કોરન્ટાઈન નિયમમાંથી મુકતી આપવામાં આવશે.
લગભગ ત્રણ વર્ષ બાદ ચીન વિદેશથી આવતા લોકો માટેના પ્રતિબંધો સૌથી હળવા કરી રહ્યું છે અને અગાઉ વિદેશથી આવતા પ્રવાસીને અલગ સરકારી આવાસમાં બે સપ્તાહ માટે કોરન્ટાઈન રહેવું ફરજીયાત હતું. જો કે બાદમાં તે તબકકાવાર ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવ્યું હતું.
ચીને હવે તેના કોવિડ આંકડાઓ પણ જાહેર કરવાનું બંધ કર્યુ છે. જો કે ચીન જતા યાત્રીકોને 48 કલાક પૂર્વેનો આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત છે તે નિયમ યથાવત રખાયો છે. ચીને તેના સિનીયર સીટીઝનો માટે વેકસીનેશન પ્રક્રિયા ઝડપી બનાવી છે અને હવે બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.