કોંગ્રેસના પ્રશ્ર્ન – વહીવટી તંત્ર કોની સૂચનાથી જોડાયું? કલેક્ટરને લેખિતમાં જવાબ માગ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
મોરબીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમમાં મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાજર રહ્યું હતું. આ બાબતને લઈને મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાંધો ઉઠાવ્યો છે અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં કિશોરભાઈ ચિખલીયાએ પુછ્યું છે કે આવો રાજકીય કાર્યક્રમ વહીવટી તંત્રએ કોની સૂચનાથી જોડાઈને કર્યો? અને શું આવો કાર્યક્રમ સરકારશ્રી દ્વારા નિર્ધારિત અથવા મંજૂર કરાયેલ છે કે નહીં – તેની લેખિત માહિતી આપવામાં આવે.
- Advertisement -
તેમણે કહ્યું કે, મોદી સરકારની મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા 11 વર્ષથી લોકો અથોષિત ઈમરજન્સી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રોજેરોજ સંવિધાનના ધજાગરા ઉડાવાય છે અને એ ભ્રષ્ટ ભાજપ પાર્ટી સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે છે, એક્કાસ્પદ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ઈમરજન્સી ભારતના બંધારણ મુજબ લાગુ કરાઈ હતી, તો પછી તેને ’સંવિધાન હત્યા’ કેવી રીતે કહી શકાય? ભાજપના આવા કાર્યક્રમોથી વહીવટી તંત્ર દ્વારા લોકશાહી અને બંધારણની અવગણના થઈ રહી છે. અંતે તેઓએ આ અંગે સંપૂર્ણ માહિતી આપવાની માંગ સાથે જણાવ્યું કે જો સરકારશ્રી દ્વારા આવાં કાર્યક્રમો અંગે કોઈ પરિપત્ર કે સુચના હોય તો તેની નકલ આપવામાં આવે.