ખેડૂતોએ રજૂઆત માટે 02752 284477 પર સંપર્ક કરવો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સારા વરસાદને કારણે ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે. આથી ખેડૂતો દ્વારા ખાતરની ખરીદીમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ’કંટ્રોલ રૂૂમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમ કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે 8 કલાકથી સાંજના 8 કલાક સુધી કાર્યરત રહેશે. રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડી.એ.પી., એન.પી.કે. વગેરેની ખરીદીમાં અને અન્ય પ્રકારની ખેત સામગ્રી ખાતરોનું ફરજીયાત ખરીદી કરવા દબાણ કરવામાં આવે તો તેની રજૂઆત પણ કંટ્રોલ રૂમમાં કરી શકાશે. જિલ્લામાં ખાતરની અછત જેવી કોઈ બાબત નથી. તેથી ખેડૂતોને ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નાયબ ખેતી નિયામક, સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને જરૂરીયાતથી વધારે બિન જરૂૂરી જથ્થો ખરીદી કે સંગ્રહ ન કરવા પણ જણાવાયું છે. ખાતરની રજૂઆત કે ફરિયાદ નિવારણ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, ટી.વી.સ્ટેશન રોડ, ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડીંગ, સુરેન્દ્રનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેનો સંપર્ક નંબર 02752 284477 છે. ભારત સરકાર દ્વારા પણ આ બાબતોને ધ્યાને લઈ કંટ્રોલ રૂમ નંબર 011 23074707 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખેડૂતો તાલુકા કક્ષાએ પણ સંબંધિત તાલુકાના ખેતી અધિકારીને રજૂઆત કરી શકશે.