SSA એન્જિનિયર પંડ્યા સાહેબે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરજકરાડી ખાતેની શાળામાં આશરે ₹95 લાખના ખર્ચે પાંચ નવા ઓરડાઓ અને અન્ય આધુનિક સુવિધાઓના નિર્માણ માટેના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ અને ભવ્યતાને કારણે યાદગાર બની રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, જિલ્લા સર્વ શિક્ષા અભિયાન (જજઅ)ના એન્જિનિયર પંડ્યા સાહેબે ધારાસભ્ય સમક્ષ ખાતરી આપી હતી કે, આ વિકાસકાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરીને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે.
નોટબુક અને પેનથી અનોખું સ્વાગત: આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના આચાર્ય ચંદ્રાબેન પંચમતિયા અને જજઅ એન્જિનિયર પંડ્યા સાહેબ દ્વારા કરવામાં આવેલું ’નોટબુક અને પેનથી સ્વાગત’ હતું. તેમણે ધારાસભ્યને નોટબુકો અને પેન આપીને શિક્ષણ પ્રત્યેનું પ્રતીકાત્મક સન્માન કર્યું હતું, જેની ધારાસભ્યએ પણ ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દેવીસંગભા હાથલ, ઓખા નગરપાલિકાના ઉપપ્રમુખ હાડાભા માણેક, વેપારી અગ્રણીઓ, ઓખા નગરપાલિકાના સભ્યો, શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકારો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યએ પધારેલા સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ’નોટબુક અને પેનથી સ્વાગત’ની આ અનોખી પહેલને કારણે સુરજકરાડી શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ માત્ર શિલાન્યાસ નહીં, પરંતુ શિક્ષણને સમર્પિત એક યાદગાર ક્ષણ બની ગયો હતો.