લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન INDIAમાં સીટની વહેંચણી અંગે સર્વસંમતિ ઊભી થવા લાગી, UP બાદ હવે મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડીમાં સામેલ પક્ષો ફોર્મ્યુલા પર આગળ વધ્યા
લોકસભા ચૂંટણીને લઈ વિપક્ષી ગઠબંધન INDIA હાલ સીટ શેરિંગને લઈ કવાયતમાં લાગ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન INDIAમાં સીટની વહેંચણી અંગે સર્વસંમતિ ઊભી થવા લાગી છે. UP બાદ હવે મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડીમાં સામેલ પક્ષો ફોર્મ્યુલા પર આગળ વધ્યા છે. સીટ શેરિંગ માટે એક કોમન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે અન્ય પક્ષોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે.
- Advertisement -
સૂત્રોનું કહેવું છે કે, ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર બેઠક વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. આ વાતચીતના સકારાત્મક પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે. એક દિવસ અગાઉ રાહુલ ગાંધીએ પણ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી અને બેઠકોની વહેંચણી પર વહેલાસર સર્વસંમતિ સાધવા વિનંતી કરી હતી.
જે બેઠકો પર મૂંઝવણ હતી તેના પર થશે ચર્ચા
રાહુલ ગાંધી ફ્રન્ટ ફૂટ પર આવીને ચાર્જ સંભાળ્યા બાદ MVAના નેતાઓ પણ સક્રિય થઈ ગયા છે. હવે અંતિમ તબક્કાની વાતચીત થવાની બાકી છે. સૂત્રોનું કહેવું છે કે, MVAના નેતાઓએ 27 અને 28 ફેબ્રુઆરીએ બેઠક યોજવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં તે બેઠકો પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવશે જેના પર INDIA બ્લોકમાં સામેલ એક કરતા વધુ પક્ષો તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે. આ વણઉકેલાયેલી લોકસભા બેઠકો પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
22મી ફેબ્રુઆરીએ થવાની હતી બેઠક પણ….
વાસ્તવમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓએ પાર્ટી છોડ્યા પછી વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) વચ્ચે બેઠકોની વહેંચણી પરની વાતચીત અટકી ગઈ હતી. 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારી બેઠક પણ વધુ ચર્ચા માટે મોકૂફ રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, 22 ફેબ્રુઆરીએ કેટલાક વરિષ્ઠ નેતાઓ દૂર હોવાના કારણે મીટિંગમાં હાજર રહી શક્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની 48માંથી 8 લોકસભા સીટો પર વાતચીત અટકી છે. કોંગ્રેસ અને શિવસેના (UBT) બંને આ બેઠકો પર દાવો કરી રહ્યા છે. આ બેઠકોમાં રામટેક, હિંગોલી, જાલના, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ દક્ષિણ-મધ્ય, શિરડી, ભિવંડી અને વર્ધાનો સમાવેશ થાય છે.
- Advertisement -
જાણો કયા કયા પક્ષો વચ્ચે ચાલી રહી છે વાતચીત ?
રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો જેવા અન્ય પક્ષો પણ બેઠક વહેંચણી પર વાતચીત કરી રહ્યા છે. દરમિયાન વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકર પણ MVAથી નારાજ છે. તેમનું કહેવું છે કે સાથી પક્ષોમાંથી કોઈ પણ સીટની વહેંચણી પર સહમતિ પર નથી પહોંચી રહ્યું. આંબેડકરે કહ્યું કે, જ્યારે MVA ગઠબંધનમાં સીટની વહેંચણી નક્કી થશે ત્યારે તેઓ તેમનો પ્રસ્તાવ રજૂ કરશે. ઘણી બેઠકો પર MVAમાં ભંગાણની વાતો વચ્ચે શિવસેના (UBT) નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું અમે રાજ્યની 23 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં મુંબઈની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. સાથી પક્ષો માટે માત્ર બે બેઠકો બચી છે. રાઉતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી બેઠકમાં સર્વસંમતિ સધાઈ જશે.