ખાસ-ખબર સંવાદદાતા
2014માંથી સત્તાથી બહાર થયા બાદ કોંગ્રેસની માઠી દશા બેઠી છે. કોંગ્રેસને મળતાં ફંડમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે કોંગ્રેસ પાર્ટી આર્થિક તંગીનો પણ સામનો કરી રહી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટીએ પોતાના રાજ્યોના ઈન્ચાર્જને પ્રોપર્ટીનું લિસ્ટ બનાવવા અને તેની જાણકારી આપવા માટેના આદેશ આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીને પણ ખબર નથી કે, તેની પાસે દેશભરમાં કેટલી પ્રોપર્ટી છે, અને આ પ્રોપર્ટી પર કોઈએ ગેરકાયદે કબજો જમાવી લીધો હશે કે ટેક્સ ન ચૂકવતા ડિફોલ્ટ થઈ હશે, તેની ચિંતા કોંગ્રેસને સતાવી રહી છે. જેને કારણે દેશભરમાં ફેલાયેલાં પોતાના વિશાળ પ્રોપર્ટીના સામ્રાજ્યને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ તમામ રાજ્યોના પ્રદેશયુનિટને કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલી તમામ પ્રોપર્ટીની માહિતી એકત્ર કરવા માટે જણાવ્યું છે. એઆઇસીસીનાં સંયુક્ત સચિવ અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નિલેશ પટેલને આ માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને 26 રાજ્યોની મિલકત એકત્રીકરણની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના પ્રદેશ કાયર્લિયોને ’ઈન્ચાર્જ ઓફ પ્રોપર્ટી’ નામથી એક સીનિયર ઓફિસ સ્ટાફની ભરતી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિ કોંગ્રેસની માલિકીની અથવા લીઝ ઉપર રહેલી પ્રોપર્ટીની માહિતી એકત્ર કરશે તેમજ પ્રોપર્ટી ટેક્સ અને લીઝની રકમનું શું સ્ટેટસ છે, તેની માહિતી પણ એકઠી કરશે.
દેશના રાજકારણમાં સૌથી વધુ પ્રોપર્ટી ધરાવતી પાર્ટી કોંગ્રેસ
- Advertisement -
દેશમાં કોંગ્રેસનો લાંબો ઈતિહાસ જોઈએ તો, તે દેશના રાજકારણમાં સૌથી વધુ પ્રોપર્ટી ધરાવતી પાર્ટી છે. આર્થિક સંકટના પરિપ્રેક્ષ્યમાં જણાવતાં સૂત્રએ કહ્યું કે, એકવાર પ્રોપર્ટીની ઓળખ થઈ ગયા બાદ, તેને વેચીને રાજ્યોમાં પોલિટિકલ એક્ટિવિટી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. પણ આ માટે સૌપ્રથમ કોંગ્રેસને રાજ્યોના રેવન્યૂ ડિપાર્ટમેન્ટ પાસે પ્રોપર્ટીને લગતો પ્રોપર્ટી ટેક્સનો ઈશ્યૂ સેટલ કરવો પડશે અને લીઝ પર રહેલી જમીન ઉપર લીઝની રકમ ચૂકવવી પડશે.