રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોહ સંપન્ન
સમાજ પર આફત આવે ત્યારે સંઘ હંમેશા સેવા માટે તત્પર : બિપીન હદવાણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં આલ્ફા વિદ્યા સંકૂલ ખાતે આઠ મેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ)નો પ્રારંભ થયો હતો. વર્ગના 20 દિવસ બાદ આજે સાર્વજનિક સમારોપ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૂનાગઢનાં લોકો જોડાયા હતા. અહી 20 દિવસ મેળવેલા પ્રશિક્ષણનું સંઘના સ્વયંસેવકો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. સમારોપ કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, જૂનાગઢનાં મેયર ગીતાબેન પરમાર, પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ, વર્ગ કાર્યવાહ ચંદ્રકાંતભાઈ ઘેટિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલજી અગ્રવાલ રહ્યા હતા. વર્ગના સમારોપ પ્રસંગે અતિથિ વિશેષ બીપીનભાઈ હદવાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર.એસ.એસ.ને કોઈ ઓળખતું ન હોય તેવું નથી. કુદરતી આફતો વખતે સંઘના સ્વયંસેવકો ખડે પગે ઉભા રહે છે. કોરોના કાળમાં તે અનુભવ્યું છે. સગા સંબંધીઓ ડરતા હતા ત્યારે સ્વયંસેવકોએ મૃતકોને અગ્નિદાહ આપ્યા હતા. પોતાના જીવની પણ પરવાહ કરી ન હતી. વાવાઝોડું હોય કે મોરબીનું પુર હોનારત હોય સંઘના સ્વંયસેવકો હમેશા આગળ રહ્યા છે. કાર્યક્રમના મુખ્ય વક્તા અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલજીએ કહ્યું હતું કે, સંઘ કેવી રીતે ચાલે છે. તેનું અહી નિદર્શન થયું છે. સંઘ જેવું અન્ય કોઈ છે નહી એટલે સંઘની તુલના કરવી કઠીન છે. સંઘ દેશભક્તિ અને સંસ્કારની શાળા છે. સંઘને બંધ આખે કે દુરથી જોવાથી વિચિત્ર લાગે છે. સંઘને નજીકથી જોશું ત્યારે જ તેને જાણી શકાશે. સંઘ ઉપર લાગેલા પ્રતિબંધને લઈ રામલાલજીએ કહ્યું હતું કે, સંઘના જન્મથી જ તેના પર અનેક આરોપો લાગ્યા છે. આરોપ ખોટો સાબિત થાય એટલે બીજો આરોપ લાગે છે. ગાંધીજીની હત્યા વખતે સંઘ પર પ્રતીબંધ લાગ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે રીપોર્ટ આપ્યો હતો કે, જેમાં સંઘનો હાથ ન હોવાનું કહેવાયું હતું. કટોકટી વખતે પણ સંઘ પર પ્રતિબંધ લાગ્યો હતો. રામ જન્મ ભૂમિના આંદોલન વખતે પણ સંઘ પર પ્રતિબંધ લાગ્યો હતો. સંઘ સારું કામ કરી રહ્યો છે જેના કારણે કેટલાક લોકોને અને સરકારને ડર લાગે છે. સારા લોકો હોવાથી ડર લાગે છે એટલે જ ત્રણ-ત્રણ વખત પ્રતિબંધ મુક્યો હતો. સંઘ કોઈની કૃપાથી નથી ચાલતો, સંઘ સ્વયંસેવકોની મહેનત અને સમપર્ણથી ચાલે છે. સંઘને સમજવા માટે સંઘની અંદર આવવું પડશે. હાલ, દેશમાં ભાષા, પ્રાંત, જાતિને લઇ ઝગડા ચાલી રહ્યા છે. દેશને આઝાદીના 75 વર્ષ થયા છે ત્યારે રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ. જાતિ ભાષાનો ભેદ સમાપ્ત કરવા માટે હિન્દુત્વની લાઈન ખેંચી છે. સંઘમાં પ્રાંત, જિલ્લા, જાતીનો ભેદ નથી સંઘેએ મોડલ ઉભું કર્યું છે. સંઘમાં સ્વાર્થ નથી. ભગવા ધ્વજ અને ભારત માતાની જયની વચ્ચે સંઘ છે. સંઘ સામાજિક સમરસતાનું પણ કામ કરે છે. ત્યારે દેશમાં જાતી સંગઠનો બન્યા છે પરંતુ, ઘણી જગ્યાએ અંદરો અંદર તે લડે છે. સંઘ ત્રણ મુદાને લઇ કામ કરે છે. જેમાં સમાન સ્મશાન ભૂમિ, સમાન મંદિર, સમાન કુવા તેના પર સંઘના સ્વયંસેવક કામ કરી રહ્યા છે. સંઘને ત્રણ વર્ષ પછી 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે સંઘના સ્વયંસેવકોએ પોતાના ક્ષેત્રમાં દોઢથી બે ગણું કામ કરવાનું છે. આજે એ જ અહીંથી સંકલ્પ લઈને જવાનું છે. આ પ્રસંગે વર્ગ કાર્યવાહ ચંદ્રકાંતભાઈ ઘેટિયાએ વર્ગની માહિતી અને આભાર વિધિ કરતાં જણાવ્યું હતું કે, અહી જે પ્રદર્શન નિહાળ્યું છે તે 20 દિવસના વર્ગનો નીચોડ છે. સવાર-સાંજ શારીરિક શિક્ષણ મળતું હતું. દિવસ દરમ્યાન ચર્ચા-સંવાદ જેવા કાર્યક્રમો યોજાતા હતા. વર્ગમાં સ્વયંસેવકોએ શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવ્યું છે.